ઇન્ટરનેશનલનેશનલ

ભારત પર અમેરિકાના ટેરિફની નહિવત અસર, નિકાસમાં વાર્ષિક 6 ટકાને દરે વધારો

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ભારતની નિકાસમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી નોંધાયો. આ અંગે પ્રકાશમાં આવેલા આંકડા મુજબ ભારતની નિકાસ 6 ટકા દરે વધી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ 2024 -25 નાણાકીય વર્ષમાં નિકાસ 825. 25 અબજ ડોલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી છે.

2025 જાન્યુઆરી-નવેમ્બર સુધીમાં નિકાસ 407 અબજ ડોલર સુધી પહોંચી જશે

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ 2020માં ભારતની નિકાસ આશરે 276.5 અબજ ડોલર હતી. જે વર્ષ 2021માં વધીને 395.5 અબજ ડોલર અને 2022 માં 453.3 અબજ ડોલર થઈ. 2023 માં તે ઘટીને 389.5 અબજ ડોલર થઈ ગઈ, પરંતુ પછી 2024 માં 443 અબજ ડોલર થઈ ગઈ. 2025 જાન્યુઆરી-નવેમ્બર સુધીમાં આ આંકડો આશરે 407 અબજ ડોલર સુધી પહોંચી જશે. 2024-25 નાણાકીય વર્ષમાં ભારતની નિકાસ 825.25 અબજ ડોલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી છે, જે વાર્ષિક ધોરણે 6 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે.

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-નવેમ્બર 2025 માં નિકાસ પણ 562 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન વલણોના આધારે, ભારતની નિકાસ 2026 માં મજબૂત રહેવાની અપેક્ષા છે. ખાસ કરીને, યુકે, ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર આવતા વર્ષે અમલમાં આવવાના છે. જે ભારતીય પ્રોડક્ટ અને સેવાઓ માટે વધુ સારું બજાર ઉપલબ્ધ થશે.

અમેરિકામાં નિકાસ 22.61 ટકા વધીને 6.98 બિલિયન ડોલર થઈ

2025 માં યુએસએ ભારતીય માલ પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા છે. જેના લીધે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અમેરિકામાં નિકાસ પર અસર પડી. જોકે, નવેમ્બર 2025 માં અમેરિકામાં નિકાસ 22.61 ટકા વધીને 6.98 બિલિયન ડોલર થઈ છે. જે નિકાસકારો માટે સકારાત્મક સંકેત છે. વિશ્વ વેપાર સંગઠન એ ચેતવણી આપી છે કે 2025 માં વૈશ્વિક વેપાર ફક્ત 2.4 ટકા વધી શકે છે. જ્યારે આ અંદાજ 2026 માટે ઘટાડીને 0.5 ટકા કરવામાં આવ્યો છે. જે વિકસિત અર્થતંત્રોમાં વેપાર અને ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડો દર્શાવે છે.

ભારતની નિકાસ 2026માં વધશે

નિકાસ નિષ્ણાતોના મતે, વર્ષ 2026 માં ભારતની નિકાસ વધતી રહેશે કારણ કે સ્થાનિક માલ અને સેવાઓની સ્પર્ધાત્મકતા અને ઉત્પાદનો અને બજારોનું વૈવિધ્યકરણ નિકાસને આગળ ધપાવશે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં આશરે 39 ટકાનો વધારો થયો છે. જયારે એન્જિનિયરિંગ માલ, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઈલ નિકાસ પણ સ્થિર વૃદ્ધિ જાળવી રહી છે.

આપણ વાંચો:  લંડનમાં મેનેજરે ભારતીયને ‘ગુલામ’ કહ્યો: કોર્ટે રૂ.80 લાખનું વળતરનો આદેશ આપ્યો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button