નેશનલ

શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત અનેક દેશોના ટેરિફમાં કરશે ઘટાડો ? જાણો વિગતે…

નવી દિલ્હી : અમેરિકાએ જાહેર કરેલા નવા ટેરિફ પ્લાનથી સમગ્ર વિશ્વમા ચિંતાનો માહોલ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિ નવ એપ્રિલના રોજથી લાગુ થવાની છે. ત્યારે ફરી એકવાર ભારત સહિત અન્ય દેશોના ટેરિફમાં ઘટાડો જાહેર કરવામાં આવે તેવી શકયતા પ્રકાશમાં આવી છે. આ અંગે આ દેશોના પ્રતિનિધિઓ અને અમેરિકા વચ્ચે વાટાઘાટો કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલ ઇઝરાયેલ, ભારત અને વિયેતનામ સાથે ચર્ચા ચાલી રહી છે.

આ નીતિ પારસ્પરિક વેપારના સિદ્ધાંત પર આધારિત
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત મુજબ, ભારત પર 26 ટકા , વિયેતનામ પર 46 ટકા અને ઇઝરાયલ પર 17 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પ દલીલ કરે છે કે આ નીતિ પારસ્પરિક વેપારના સિદ્ધાંત પર આધારિત છે. જ્યાં અમેરિકાએ કોઈ દેશમાંથી જેટલી આયાત કરે છે તેના કરતા ઓછી અથવા તેના જેટલી નિકાસ કરવી જોઈએ.

સમય મર્યાદા પૂર્વે કરાર થાય તો ટેરિફ ટાળી શકાય
મીડિયા અહેવાલ મુજબ અમેરિકા ભારત, ઇઝરાયલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે સક્રિય વેપાર વાટાઘાટો કરી રહ્યું છે. ટ્રમ્પ ઇચ્છે છે કે સમય મર્યાદા પૂર્વે કરાર થાય તો ટેરિફ ટાળી શકાય. ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પોસ્ટ અનુસાર વિયેતનામ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું છે કે જો અમેરિકા સાથે કોઈ કરાર થાય છે. તો તે ટેરિફ શૂન્ય કરવા તૈયાર છે. આ એક સંકેત છે કે વિયેતનામ આ સોદા અંગે કૂણું વલણ અપનાવી શકે છે.

ટેરિફ પર ભારતનું વલણ
આ ટેરિફ ભારત માટે ખાસ કરીને પડકારજનક છે કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. 26 ટકા આયાત કર ભારતીય ઉદ્યોગો પર, ખાસ કરીને કાપડ, આઇટી અને ફાર્મા જેવા ક્ષેત્રો પર ઊંડી અસર કરી શકે છે. ઇઝરાયલ વિશે વાત કરીએ તો, ઇઝરાયલી અધિકારીઓએ પહેલાથી જ ચિંતા વ્યક્ત કરી છે કે યુએસ ટેરિફ ઇઝરાયલી કંપનીઓની સ્પર્ધાત્મકતાને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે કેટલીક કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન એકમો શરૂ કરવાનું વિચારી શકે છે.

ટ્રમ્પની સોદો કરવાની રણનીતિ
ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા ડીલ મેકર તરીકેની પોતાની છબી જાળવી રાખી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે દરેક દેશ અમને બોલાવી રહ્યા છે. તેમનું માનવું છે કે ટેરિફ દબાણનું એક સાધન છે. જેના દ્વારા દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવી શકાય છે.

જે દેશ પહેલા વાટાઘાટો કરશે તે જીતશે
આ ઉપરાંત ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે જે દેશ પહેલા વાટાઘાટો કરશે તે જીતશે. જે છેલ્લે વાટાઘાટો કરશે તે હારશે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે અમેરિકા તરફથી સ્પષ્ટ સંદેશ છે. કેઝડપથી સમાધાન કરો અથવા નુકસાન સહન કરો.

આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button