ટેરિફ વાર વચ્ચે પણ ટ્રમ્પને આ સેક્ટરમાં ઝૂકવું પડશે, કારણ શું છે જાણી લો?

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે, જેની અસર ભારતના ટેક્સટાઇલ, દરિયાઈ ઉત્પાદનો અને રત્નો જેવા ક્ષેત્રો પર પડી છે. જેના પરિણામે સુરત, નોઈડા અને તિરુપુર જેવા ઔદ્યોગિક કેન્દ્રોમાં કેટલીક કંપનીઓએ ઉત્પાદન બંધ કરી દીધું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટેરિફથી ભારતની આર્થિક વૃદ્ધિમાં 0.3થી 0.5 ટકાનો ઘટાડો થઈ શકે છે અને અમેરિકામાં ભારતની 55 અબજ ડોલરની નિકાસ પણ ઘટી શકે છે. જોકે, એક કરતા અનેક પડકારોની વચ્ચે અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનોને ટેરિફમાંથી રાહત આપી છે, જેની પાછળ રણનીતિક અને આર્થિક કારણો છે.
ટેરિફથી ભારતની નિકાસ પર અસર
અમેરિકાના આ નવા ટેરિફ નિર્ણયથી ભારતના ટેક્સટાઇલ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો-ઝવેરાત અને રાસાયણિક ઉત્પાદનો જેવા ક્ષેત્રો પર ગંભીર અસર પડી છે. સુરતમાં હીરાના વેપારીઓએ ઓર્ડરમાં ઘટાડો અનુભવ્યો છે, જ્યારે નોઈડા અને તિરુપુરમાં ટેક્સટાઇલ ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટ્યું છે. નિષ્ણાતોના મતે, આ ટેરિફથી ભારતની 86.5 અબજ ડોલરની અમેરિકન નિકાસમાંથી 55 અબજ ડોલરની નિકાસ જોખમમાં છે. આ ઉપરાંત, આર્થિક વૃદ્ધિમાં ઘટાડો અને રૂપિયાનું અવમૂલ્યન પણ ચિંતાનો વિષય છે.
ટેરિફમાંથી આ ઉત્પાદનોને મુક્તિ
આ તમામ વચ્ચે અમેરિકાએ ભારતના કેટલાક મુખ્ય ઉત્પાદનોને ટેરિફમાથી મુક્તિ આપી છે. જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઊર્જા તથા નવીનીકરણીય ઉત્પાદનો (જેમ કે પેટ્રોલિયમ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા જેવા ઉત્પાદનો પર માત્ર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. આ રાહતનું કારણ એ છે કે અમેરિકા આ ઉત્પાદનો માટે ભારત પર નિર્ભર છે અને અન્ય દેશોમાંથી આ ઉત્પાદનોની આયાત વધુ ખર્ચાળ પડી શકે છે.
અમેરિકાને ભારતની જેનરિક દવાઓની જરૂર છે, કારણ કે તે અમેરિકન હેલ્થકેર સિસ્ટમમાં સસ્તી દવાઓનો મુખ્ય સ્ત્રોત છે. આ દવાઓ પર 50 ટકા ટેરિફ લાદવાથી દવાઓની કિંમતો વધી શકે છે, જે અમેરિકન નાગરિકોમાં નારાજગી ઉભી કરી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, એપલ અને સેમસંગ જેવી કંપનીઓએ ચીનથી ભારતમાં પોતાનું ઉત્પાદન ખસેડ્યું છે. આ ઉત્પાદનો પર ટેરિફ લગાવવાથી અમેરિકન ગ્રાહકો માટે સ્માર્ટફોન મોંઘા થઈ શકે છે, જેની અસર અમેરિકન કંપનીઓની વેચાણ પર પણ પડશે. ઊર્જા ક્ષેત્રમાં, ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનો અમેરિકન ઉદ્યોગો અને ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
અમેરિકા ભારતને માત્ર વેપારી ભાગીદાર તરીકે જ નહીં, પરંતુ રણનીતિક સાથી તરીકે પણ જુએ છે, ખાસ કરીને એશિયામાં ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે. આ કારણે અમેરિકા ભારતના તમામ ક્ષેત્રો પર ટેરિફ લાદીને દબાણ નથી કરી શકતું. ભારતની જેનરિક દવાઓ, સ્માર્ટફોન અને ઊર્જા ઉત્પાદનો પર નિર્ભરતા અમેરિકાને આ ક્ષેત્રોમાં રાહત આપવા મજબૂર કરે છે. આ ઉપરાંત, ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પણ આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવે છે.