ટ્રમ્પ-પુતિનની બેઠક વચ્ચે ભારત-અમેરિકાનો ‘યુદ્ધ અભ્યાસ’: 400 જવાન અલાસ્કા પહોંચશે…
ઓપરેશન 'સિંદૂર' પછી પહેલી વાર સૌથી મોટી સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરાશે

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં બેઠક થવાની છે. આ દરમિયાન ભારત અને અમેરિકાની સેનાઓ ‘યુદ્ધ અભ્યાસ’ નામના સંયુક્ત સૈન્ય અભ્યાસ માટે તૈયારી કરી રહી છે.
પહેલીથી 14 સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં આ અભ્યાસનું 21મું સંસ્કરણ યોજાશે. આ અભ્યાસ બંને દેશો વચ્ચે રક્ષા સહયોગને મજબૂત કરશે અને આતંકવાદ સામે લડવાની તૈયારીને વધારશે.
‘યુદ્ધ અભ્યાસ’ શું છે?
‘યુદ્ધ અભ્યાસ’ એ ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે 2004થી દર વર્ષે યોજાતો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આ અભ્યાસ ભારત અને અમેરિકામાં વારાફરતી યોજાય છે. ગયા વર્ષે 2024માં તેનું 20મું સંસ્કરણ રાજસ્થાનના મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં થયું હતું.
આ વખતે અલાસ્કાના ઠંડા અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં આ અભ્યાસ થશે, જેનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ વિરોધી કામગીરીની તાલીમ આપવાનો છે. આ ઉપરાંત, બંને સેનાઓ એકબીજા પાસેથી નવી રણનીતિ અને ટેકનોલોજી શીખશે.
આ સંસ્કરણમાં શું ખાસ છે?
2025ના ‘યુદ્ધ અભ્યાસ’નું આયોજન અગાઉના વર્ષો કરતા વધુ વ્યાપક અને જટિલ હશે. ભારત તરફથી 400થી વધુ સૈનિકો ભાગ લેશે, જેમાં મદ્રાસ રેજિમેન્ટના જવાનો આગેવાની લેશે. સેના, ટેન્ક અને સહાયક દળો સહિત વિવિધ સૈન્ય એકમો સામેલ થશે. અમેરિકા તેની ‘સ્ટ્રાઈકર’ ગાડીનું પાણીમાં ચાલતા (એમ્ફિબિયસ) સંસ્કરણ રજૂ કરશે.
જેની ભારતે પહેલા જમીન પરની ક્ષમતા ચકાસી હતી. જો આ પરીક્ષણ સફળ રહ્યું, તો ભારત આ ગાડી ખરીદવાનું વિચારી શકે છે. આ અભ્યાસમાં નવી ટેકનોલોજી અને રણનીતિનું પ્રદર્શન પણ થશે.
આતંકવાદ વિરોધી મિશનની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત
આ વખતના અભ્યાસમાં ભારતના તાજેતરના ‘ઓપરેશન સિંદૂર’ના અનુભવોનો ઉપયોગ થશે. આ ઓપરેશનમાં ભારતે આતંકવાદીઓ સામે સફળ કામગીરી કરી હતી, જેમાં રણનીતિ, શક્તિ અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ થયો હતો. અમેરિકી સેના આ પાઠો શીખવા આતુર છે.
ખાસ કરીને આતંકવાદ સામે સંયુક્ત યોજના ઘડવા અને વાસ્તવિક યુદ્ધ જેવા અભ્યાસોની તૈયારી માટે. આ અભ્યાસ સંયુક્ત રાષ્ટ્રના નિયમો (Chapter VII) હેઠળ થશે, જેમાં આતંકવાદ વિરોધી મિશનની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત થશે.
14 દિવસના અભ્યાસમાં આતંકવાદ વિરોધી ડ્રિલ, સંયુક્ત રણનીતિ ઘડવી, યુદ્ધ જેવા ફીલ્ડ અભ્યાસ, નવી ટેકનોલોજીની આપ-લે અને પ્રાકૃતિક આફત રાહતની તાલીમનો સમાવેશ થશે. આ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે સહયોગ અને મિત્રતા વધારશે. આજના સમયમાં, જ્યારે આતંકવાદ અને સરહદી તણાવ વધી રહ્યો છે, આ અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સૈન્ય સંબંધોની જરૂરિયાત દર્શાવે છે. ટ્રમ્પ સાથેના વેપારી તણાવ છતાં, આ અભ્યાસ બંને દેશોની સૈન્ય મૈત્રીનું પ્રતીક છે.