ટ્રમ્પની BRICS ને તોડવાની રમત? ઈરાન વિવાદ વચ્ચે ભારત માટે કપરા ચઢાણ

નવી દિલ્હી/તહેરાનઃ ઈરાનમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તેવામાં અમેરિકા પોતાનો લાભ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સરકાર વિરુદ્ધ વિરોધ કરનારા પ્રદર્શનકારીઓને સમર્થન આપીને ત્યાં સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપી છે, તો બીજી બાજુ ઈરાન સાથે વેપાર કરનારા દેશોને 25 ટકા ટેરિફની પણ ધમકી આપી દીધી છે. હવે આવી સ્થિતિમાં ભારત માટે થોડી સમસ્યાઓ સર્જાઈ શકે છે. કારણ કે, ટ્રમ્પની ધમકીઓને જોતા એવું લાગે છે કે, અમેરિકા BRICSને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
BRICSની નીતિઓના કારણે અમેરિકા ગભરાયું છે?
અમેરિકાને એક ડર છે કે, BRICS તેને નુકસાન પહોંચી શકે છે, BRICSની આકરૂ વલણ ડોલરને પછાડી શકે છે, જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિ આ પ્રકારની નિવેદનો આપી રહ્યાં છે. અમેરિકાને ડર છે કે, BRICS તેમના ડોલરને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જ ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાએ 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. જો કે, આના કારણે ભારત પર વિશેષ અસર થશે નહીં, પરંતુ ભારત ઈરાન સાથે વેપારને ઓછો કરવા માટેની તૈયારી કરી રહ્યું છે. આ વખતે ભારત-ઈરાન રાજદ્વારીની 75મી વર્ષગાઠ છે. પરંતુ વર્તમાન સ્થિતિને જોતા આ મહિને ઈરાની વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની ભારતયાત્રા પર પણ ગ્રહણ લાગ્યું છે.
BRICS શિખર સંમેલન પર સૌની નજર રહેશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મંગળવારે વિદેશમંત્રી એસ જયશંકરે BRICS 2026 શિખર સંમેલન માટે ભારતના વિઝનની જાહેરાત કરી હતી. આમાં ‘વૈશ્વિક આઘાતો’ સહન કરી શકે તેવા સંસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુદ્દાની વાત એ છેકે, 18મા BRICS સમિટના લોગો લોન્ચમાં રશિયન અને ઈરાની રાજદૂતો પણ જોવા મળ્યાં હતા. ભારત BRICSનું સ્થાપક સભ્ય છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા છે, અને 2024થી ઈરાન જોડાયું હતું. આ સાથે મિસર, ઇથિયોપિયા, સાઉદી અરેબિયા, UAE અને ઇન્ડોનેશિયા પણ BRICSના સભ્ય દેશો છે.
ટ્રમ્પનો BRICSને તોડવાનો પ્રયાસ?
મીડિયા અહેવાલો પ્રમાણે BRICSને વિસ્તાર થઈ રહ્યો છે, જેને અમેરિકા ડોલર-મુક્ત વેપાર માટે નવી મુશ્કેલી માને છે. આ દેશો સાથે મળીને ડોલરને પછાડી શકે છે તેવો અમેરિકાને ડર છે. 2025ના રિયો સમિટમાં ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ અને BRICS પેમેન્ટ ટાસ્કફોર્સની ચર્ચા થઈ હતી. આ સિસ્ટરને આ સમૂહના દરેક દેશો અપનાવી લેશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે સંબંધિત દેશો ડોલરમાં વ્યવહાર કરવા માટે બંધાયેલા નહીં રહે, એટલે કે અત્યારે જેમ ડોલરમાં જ વૈશ્વિક વેપાર કરવાની નીતિ છે તેનો અંત આવશે અને BRICS ના દેશોને ફાયદો થવાનો છે, જેથી આ વાત અમેરિકાને ભારે ખટકી રહી છે.
ટ્રમ્પના વલણનો જવાબ શું?
આ વર્ષે BRICS સમિટ ભારતમાં યોજાવાની છે. જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન આવવાની શક્યતાઓ છે. ભારતની ઈરાન નીતિ પર સમગ્ર વિશ્વની નજર મંડરાયેલી છે, કારણ કે, એકબાજુ અમેરિકા ઇરાન સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને તેવામાં ભારત સાથે ઈરાનની બેઠક થવી વિશેષ સાબિત થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, ભારતે રશિયા સાથે તેલ ખરીદી ચાલુ રાખી તેના કારણે પહેલેથી જ ટ્રમ્પના નિશાના પર છે. તેવામાં હવે ઈરાન સાથે વેપારને સ્થિર રાખવાની નીતિ ભારત માટે પડકારજનક સાબિત થઈ શકે છે.



