ભડકે બળતા ઈરાનમાંથી ભારતીયોને પરત લાવવા સરકાર સજ્જ, જાણો શું છે માસ્ટર પ્લાન?

નવી દિલ્હીઃ ઈરાન અત્યારે ભડકે બળી રહ્યું છે. વિરોધની આગ એટલી વધી રહી છે કે, હવે ઈરાનમાં સ્થિતિ કાબૂમાં રહી નથી. હવે એંધાણ એવા પણ છે કે, અમેરિકા પણ કોઈ પણ સમયે ઈરાન પર હુમલો કરી શકે છે. એટલું જ નહીં પરંતુ સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સત્વરે ઈરાન છોડી દેવા માટે ભારતીય દૂતાવાસે અપીલ પણ કરી હતી. ભારત અત્યારે ઈરાનમાંથી ભારતીય નાગિરકોને નીકળવાની તૈયારી કરી રહ્યું છે. આ સ્થિતિમાં ભારત સરકાર કેવી તૈયારી કરી રહ્યું છે?
ભારતીયોને પાછા લાવવા સરકાર સજ્જ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પાછા લાવવા માટે સરકારે એક ઈમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઇટ 16 જાન્યુઆરીએ આવી શકે છે. ઈરાનમાં ભડકેલી હિંસાના કારણે ભારત પાછા ફરવા માંગતા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય તૈયારી કરી રહ્યું છે. સરકારે આના માટેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સ્થળાંતરના ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરવા અને ત્યાં મુસાફરી ટાળવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: અમારા બાળકોને પાછા લાવો: ઈરાનમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓના માતા-પિતાની કેન્દ્રને અપીલ
ભારતીય વિદ્યાર્થીઓને ક્યારે પાછા લાવશે?
ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ અને કાશ્મીરમાં મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આ મુદ્દે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાત પણ કરી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વિદેશ પ્રધાને આશ્વાસન આપ્યું છે કે, ઈરાનમાં રહેલા જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્તીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે અને તેના માટેના તમામ જરૂર પગલા પણ લેવામાં આવી રહ્યું છે. જો કે, ઈરાનમાં અત્યારે જમ્મુ અને કાશ્મીરના કેટલા વિદ્યાર્થીઓ છે તેની કોઈ વિગતો જાણવા મળી નથી.
CM ઓમર અબ્દુલ્લાએ એક્સ પર પોસ્ટ કરી
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મેં હમણાં જ વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે ઈરાનની પરિસ્થિતિ વિશે વાત કરી. તેમણે જમીની પરિસ્થિતિ વિશે માહિતી આપી અને મંત્રાલય જે યોજનાઓ પર કામ કરી રહ્યું છે તેની પણ માહિતી આપી છે. હું વિદેશ મંત્રીનો આભારી છું કે, તેમણે ખાતરી આપી કે જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ અને હાલમાં ઈરાનમાં રહેલા દેશના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પગલાં લેવામાં આવશે’
આ પણ વાંચો: ઈરાનનું એરસ્પેસ બંધ થયું: ભારતીય એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
ઈરાનમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ રહે છે?
ઈરાનમાં અભ્યાસ કરતા જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓના માતા-પિતા દ્વારા પણ ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એવો અંદાજ છે કે, ઈરાનમાં અત્યારે વિદ્યાર્થીઓ સહિત લગભગ 10,000 ભારતીયો રહે છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીયો જેમ કે, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓને ત્યાંથી ચાલ્યા જવા માટે એક સલાહ આપી હતી. હવે જોવાનું એ રહે છે કે, આ લોકોને ક્યાંરે ભારત પાછા લાવવામાં આવે છે.



