ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો, જાણો ક્યારથી લાગુ પડશે?
રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી લેશે, કોંગ્રેસે કહ્યું વિદેશ નીતિની નિષ્ફળતા

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકા એકબાજુ ભારતને પોતાનું મિત્ર ગણાવે છે અને બીજી બાજુ ટેરિફનો માર પણ મારી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટે 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. પહેલી ઓગસ્ટની ડેડલાઈન પહેલા જ ભારત પર 25 ટકા ટેરિફ લગાવી દીધો છે. આ મામલે સૂત્રોનું કહેવું છે કે ભારતે રશિયા સાથે દોસ્તી રાખી તેના કારણે અમેરિકાએ આ ટેરિફ લગાડ્યો છે. એટલે એવું કહી શકાય કે, રશિયા સાથે દોસ્તી રાખવી ભારતને ભારે પડી ગઈ છે, જ્યારે રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી પણ લાગુ કરશે. અમેરિકાના ટેરિફ અંગે સરકારની પ્રતિક્રિયા પૂર્વે કોંગ્રેસે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી હતી. વિદેશ નીતિની નિષ્ફળતા હોવાનું કોંગ્રેસે ગણાવ્યું હતું.
25% ટેરિફ સાથે દંડની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટેરિફ અંગે જાણકારી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, ‘યાદ રાખો, ભારત અમારો મિત્ર છે, ત્યારે આપણે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ઘણા ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ભારતે હંમેશા રશિયા પાસેથી જ લશ્કરી સાધનોની ખરીદી કરી છે. ભારત દેશ ચીન સાથે રશિયાના ઊર્જાના સૌથી મોટો ખરીદદાર છે, અત્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે, આ બધું સારું નથી! તેથી આ બાબતો માટે ભારતે 1લી ઓગસ્ટથી 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે’.
શું ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે?
ટ્રમ્પે એક રીતે ભારતને આ સીધી ધમકી આપી હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, રશિયા સાથે મિત્રતા રાખવા અને હથિયારોની ખરીદી કરવા માટે અમેરિકાએ ભારતને દંડ ફટકાર્યો છે. ભારતે કોની સાથે સંબંધો રાખવા તે અમેરિકા કેવી રીતે નક્કી કરી શકે? ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી આ પોસ્ટમાં ભારતને ધમકી આપી છે. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળામાં અમેરિકાએ ભારતની નિકાસ 22.8 ટકા વધીને 25.51 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 11.68 ટકા વધીને 12.86 અબજ ડોલર થઈ હતી. હવે ભારતે ફરજિયાતપણે 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે તેવી જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિએ કરી દીધી છે.
ટેરિફ ધમકી બાદ ભારત શું નિર્ણય લેશે?
અમેરિકાએ આપેલી ટેરિફ ધમકી બાદ ભારત શું નિર્ણય લેશે? ભારત હવે અમેરિકા સાથે કયા ઉદ્દેશ્ય અને નીતિ સાથે વિદેશ વેપાર કરશે તે બાબતે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય કે પછી ભારતના અન્ય દેશો સાથેના સંબંધો હોય! ડોનાલ્ડ ટ્રમ્પ દરેક બાબતે દખલ કરે છે. ભારતે આ બાબતે યોગ્ય જવાબ આપવો જોઈએ. કારણ કે, ફરી એકવાર ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘મેં જ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ બંધ કરાવ્યું હતું’.
ટ્રમ્પે ક્યા દેશ પર કેટલો ટેરિફ લગાડ્યો?
અન્ય દેશોની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પે, કેનાડા પર 35 ટકા, શ્રીલંકા પર 30 ટકા, ઇરાક પર 30 ટકા, લીબિયા પર 30 ટકા, ફિલિપાઇન્સ પર 20 ટકા અને મોલ્ડોવા પર 25 ટકા ટેરિફ લગાવ્યો હોવાની જાહેરાત કરી છે. આ યાદીમાં ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લાદ્યો છે. ભારત પર ટેરિફ લાદ્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 90 દિવસનો સમય આપ્યો હતો. પહેલા 9 જુલાઈ અને બાદમાં 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. પરંતુ આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ધમકી સાથે ટેરિફના જાહેરાત કરી દેવામાં આવી છે.
શેરબજાર પર 25 ટકા ટેરિફની અસર જોવા મળશે
ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો છે તેની અસર આવતીકાલે શેરબજાર પર પડી શકે છે. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયના કારણે ભારતીય શેર બજાર પર ખરાબ અસર થઈ શકે છે. અત્યારે છેલ્લા બે દિવસથી બજારમાં તેજી છે, તેમાં આવતીકાલે મોટો ઘટાડો જોવા મળી શકે છે. જેથી રોકાણકારોને સાવધાન રહેવું પડશે.