ભારતમાં યુએસ એમ્બેસીએ વિદ્યાર્થી વિઝા ધારકોને આપી ચેતવણી, કહ્યું તો… ડિપોર્ટ કરવામાં આવશે

નવી દિલ્હી : ભારતમાં યુએસ એમ્બેસીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એક કડક ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના કાયદાનો ભંગ કરશે તેમને ડિપોર્ટ કરવામાં આવશે. તેમજ શિક્ષાત્મક પગલાં અનુસાર તેમના વિઝા રદ કરવામાં આવશે. યુએસ એમ્બેસીએ ભારતમાં એકસ પર આ પોસ્ટ કરી છે.
યુએસ વિઝા એક સુવિધા છે અધિકાર નથી
યુએસ એમ્બેસીએ એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે, “અમેરિકન કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ કરવામાં આવે અથવા કોઈ કાયદાનો ભંગ થાય તો તમારા વિઝા રદ થઈ શકે છે. તમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે, અને યુએસ વિઝા રદ થઇ શકે છે. તેથી નિયમોનું પાલન કરો અને તમારા પ્રવાસને જોખમમાં ન નાખો. યુએસ વિઝા એક સુવિધા છે અધિકાર નથી.
દૂતાવાસે H-1B અને H-4 વર્ક વિઝા અરજદારોને ચેતવણી આપી
જ્યારે ગત અઠવાડિયે, દૂતાવાસે H-1B અને H-4 વર્ક વિઝા અરજદારોને ચેતવણી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે યુએસ ઇમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી ગંભીર ફોજદારી દંડ થઈ શકે છે. ગત વર્ષે અમેરિકામાં નવા નિયમોના પગલે આંતરરાષ્ટ્રીય નોંધણીઓમાં 17 ટકાનો ઘટાડો થયો હતો.
H-1B વિઝા ઇન્ટરવ્યુ રદ કરવા મુદ્દે ફરિયાદ
આ ઉપરાંત લગભગ 10 દિવસ પહેલા ભારતે ભારતીય અરજદારો માટે અગાઉ નિર્ધારિત H-1B વિઝા ઇન્ટરવ્યુ રદ કરવા અંગે અમેરિકા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સરકારને ભારતીય નાગરિકો તરફથી અસંખ્ય ફરિયાદો મળી છે જેમને તેમના વિઝા એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.



