વડાપ્રધાનની યુએસ મુલાકાત બાદ ટ્રમ્પ સરકાર ન સુધરી; ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવી ભારત મોકલ્યા

નવી દિલ્હી: ગત 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથેનું યુએસ આર્મીનું પ્લેન અમૃતસરમાં લેન્ડ થવા સાથે વિવાદ ઉભો થયો હતો, આરોપ લગાવવામાં આવ્યો હતો કે લોકોને હાથકડી અને સંકળ વડે બાંધીને ભારત મોકલવામાં (Inhuman behavior with deportees) આવ્યા હતાં. એવામાં ગઈ કાલે શનિવારે રાત્રે, યુએસ લશ્કરી C-17 વિમાન 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેચ સાથે અમૃતસરમાં લેન્ડ થયું, આ વખતે પણ ઇમિગ્રન્ટ્સને અપમાનિત કરીને ભારત મોકલવામાં આવ્યાના આરોપ લાગ્યા છે.
નોંધનીય છે કે કોંગ્રેસ અને પક્ષોને ભારતીય ઇમિગ્રન્ટ્સના અપમાનનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. ભારતના વડાપ્રધાન હાલમાં જ અમેરિકાના પ્રવાસે હતાં, આ દરમિયાન આશા હતી તેઓ કે ભારતીયોના આ રીતે દેશ નિકાલ અંગે તેનો યુએસ રાષ્ટ્રપતિ સાથે વાત કરશે. પરંતુ હજુ પણ કથિત રીતે ભારતીયોને એવી રીતે જ પરત મોકલવામાં આવ્યા છે.
બાથરૂમમાં પણ સંકળના ખોલી:
પાછા ફરેલા યુવાનોનો દાવો છે કે તેઓ ડિટેન્શન સેન્ટરમાંથી ભારત પહોંચ્યા ત્યાં સુધી સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યા હતા. એમ ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ, પંજાબના ઘણા યુવાનોએ જણાવ્યું કે આખી મુસાફરી દરમિયાન હાથ-પગ સાંકળોથી બાંધી દેવામાં આવ્યા હતા. બાથરૂમ જતી વખતે પણ આ સાંકળો ખોલવામાં આવતી નહોતી.
એક યુવકે જણાવ્યું કે અમેરિકા પહોંચ્યાના થોડા કલાકો પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેણે અમેરિકા પહોંચવા માટે પોતાની જમીન વેચીને 45 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. અટકાયત બાદ, તેને લગભગ 15 દિવસ સુધી એક કેમ્પમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં કોઈ સુનાવણી થઈ ન હતી.
આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા
વધુ ઇમિગ્રન્ટ્સ ભારત આવશે:
રવિવારે રાત્રે ત્રીજું વિમાન 157 ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 18,000 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ ડિપોર્ટ ફ્લાઇટ્સ ભારત મોકલવામાં આવશે.
આ મુદ્દો હવે મોટું સ્વરૂપ લઈ શકે છે, કારણ કે બંને દેશો વચ્ચે માઈગ્રેશાન પોલિસીઓને અંગે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે.