UPSC ના ઉમેદવારોએ હવે રજીસ્ટ્રેશન માટે આપવું પડશે આધાર કાર્ડ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં રજીસ્ટ્રેશન માટે ઉમેદવારોના વેરીફિકેશનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે યુપીએસએસમાં નોંધણી,પરીક્ષાઓ અને ભરતીના વિવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ માટે આધાર પ્રમાણીકરણની મંજૂરી આપી છે. આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)નોટિફિકેશન બહાર પાડ્યું છે.
કેમ લેવાયો નિર્ણય?
યુપીએસસી એ ગત મહિને પ્રોબેશનરી IAS ઓફિસર પૂજા ખેડકરની પ્રોવિઝનલ ઉમેદવારી રદ કરી હતી. તેમજ સિવિલ સર્વિસીસ પરીક્ષામાં છેતરપિંડી કરવાના પ્રયાસ બદલ ભવિષ્યની તમામ પરીક્ષાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ખેડકર પર અન્ય આરોપો ઉપરાંત વિકલાંગતા અને અન્ય પછાત વર્ગના ક્વોટાના દુરુપયોગનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
કાર્મિક મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું
કાર્મિક મંત્રાલયે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે UPSCને ‘વન ટાઈમ રજિસ્ટ્રેશન’ પોર્ટલ પર નોંધણી સમયે સ્વૈચ્છિક ધોરણે આધાર પ્રમાણીકરણ કરવાની અને પરીક્ષા/ભરતી કસોટીના વિવિધ તબક્કામાં ઉમેદવારોની ઓળખની ચકાસણી માટે પરવાનગી આપવામાં આવી છે. જેના માટે હા/ના અથવા/અને ઈ-કેવાયસી ઓથેન્ટિકેશન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે આયોગે આધાર અધિનિયમ, 2016ની તમામ જોગવાઈઓ, તેના હેઠળ બનાવેલા નિયમો અને વિનિયમો અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આધાર એ 12 અંકનો નંબર છે જે UIDAI દ્વારા તમામ પાત્ર નાગરિકોને બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટાના આધારે ફાળવવામાં આવે છે.