યુપીના સંભલમાં હિંસાઃ રાજ્યપાલે તપાસ માટે 3 સભ્યના ન્યાયિક પંચની રચના કરી
લખનઊઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સંભલમાં ૨૪ નવેમ્બરે થયેલી હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવાની જાહેરાત કરી છે. પંચને સૂચનાની તારીખથી બે મહિનાની અંદર તેની તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદા વધારવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
કોટ ગરવી વિસ્તારમાં કોર્ટના આદેશ પર શહેરની શાહી જામા મસ્જિદના સર્વેક્ષણને લઇને થયેલી અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા તેમ જ પોલીસ કર્મચારીઓ સહિત ઘણા ઘાયલ થયા હતા.
અરજીમાં આ જગ્યા પર હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ૨૮ નવેમ્બરે જારી કરાયેલા નોટિફિકેશનમાં રાજ્યપાલે જાહેર હિતમાં અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આપણ વાંચો: સંભલ મસ્જિદ વિવાદ, સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી
આ તપાસ પંચનું નેતૃત્વ અલહાબાદ હાઇ કોર્ટના નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર અરોરા કરશે. સૂચનામાં જણાવાયું છે કે અન્ય સભ્યોમાં નિવૃત આઇએએસ અધિકારી અમિત મોહન પ્રસાદ અને નિવૃત આઇપીએસ અધિકારી અરવિંદ કુમાર જૈનનો સમાવેશ થાય છે.
પંચ તપાસ કરશે કે આ ઘટના અચાનક બની હતી કે કોઇ આયોજિત ગુનાહિત કાવતરાનો ભાગ હતી. આ ઘટના દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગેની પણ તપાસ કરવામાં આવશે.
આપણ વાંચો: સંભલમાં આજે શુક્રવારની નમાજ, વહીવટીતંત્ર એલર્ટ પર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
તે ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં એ નક્કી કરવામાં આવશે કે શું આ ઘટના આયોજિત ગુનાહિત ષડયંત્રનું પરિણામ હતું. તે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાયદો અને વ્યવસ્થાની તપાસ કરશે. ઘટના પાછળની પરિસ્થિતિઓ અને કારણોનું વિશ્લેષણ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટેના ઉપાયોની ભલામણો કરશે.