નેશનલ

રાજસ્થાન વિધાનસભામાં હંગામોઃ નવા જિલ્લાના વિસર્જન મુદ્દે કોંગ્રેસે ગૃહની કાર્યવાહી ખોરવી

જયપુરઃ રાજસ્થાન વિધાનસભામાં બુધવારે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાઓના વિસર્જન મુદ્દે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ૧૫ મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી.

વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ જણાવ્યું કે આ મુદ્દે સ્થગિત પ્રસ્તાવ લાવનારા બંને ધારાસભ્યોને ગુરૂવારે બે-બે મિનિટ બોલવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર આ બાબતે ટૂંકું નિવેદન બહાર પાડશે.

શૂન્યકાળ દરમિયાન સ્પીકરે જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ મોદી અને ૩૦ અન્ય સભ્યોએ રાજ્યના ત્રણ નવા ડિવિઝન અને નવ જિલ્લાઓના વિસર્જનથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય સુરેશ મોદી અને કોંગ્રેસના ધારાસભ્ય રામકેશને તેમના પ્રસ્તાવના વિષય પર બે-બે મિનિટ બોલવાની મંજૂરી આપવામાં આવશે.

આપણ વાંચો: રાજસ્થાન વિધાનસભાના સ્પીકર Vasudev Devnani એ પટનામાં હાર્ટ-એટેક આવ્યો, હાલ તબિયત સ્થિર

સંસદીય બાબતોના પ્રધાન જોગારામ પટેલે જણાવ્યું કે જિલ્લાઓ અને ડિવિઝનોના વિસર્જનનો મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને વિધાનસભામાં કોર્ટમાં પેન્ડિંગ કોઇ પણ મુદ્દે ચર્ચા નહીં કરવાની પરંપરા રહી છે. તેમણે સ્પીકરને સ્થગિત પ્રસ્તાવ પર ચર્ચા ન કરવા વિનંતી કરી હતી.

સ્પીકરે આજે આ મુદ્દે ચર્ચા ન કરવાનો નિર્ણય લીધો હતો. વિપક્ષે નારાજગી વ્યક્ત કરી અને હોબાળો મચાવ્યો હતો. હોબાળા વચ્ચે સ્પીકરે કાર્યવાહી ૧૫ મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી. ગૃહની કાર્યવાહી ફરી શરૂ થયા બાદ પણ હોબાળો ચાલુ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button