જો કોઈ દુઃખાવો હોય તો ડોક્ટર પાસે જાઓઃ ધનખડના રાજીનામા મુદ્દે જેપી નડ્ડાએ ખડગેને આપી સલાહ

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર 2025ના પહેલા જ દિવસે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. આ હંગામો થવાનું કારણ હતું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અચાનક રાજીનામું. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના મુદ્દે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વળતો પ્રહાર કર્યો હતો. બિહાર, હરિયાણાની હારનો ઉલ્લેખ કરીને નડ્ડાએ કહ્યું હતું કે જો કોઈ દુખાવો હોય તો ‘ડોક્ટર પાસે જવું જોઈએ. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેને નડ્ડાએ સલાહ આપ્યા પછી ગૃહનું વાતાવરણ વધુ ગરમાયું હતું તથા તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
#WATCH | Delhi: Responding to Rajya Sabha LoP Mallikarjun Kharge, Leader of House in Rajya Sabha JP Nadda says, "We must maintain the dignity of the felicitation program, and it would be good if we discuss it accordingly. If we start discussing the issue that our Leader of the… https://t.co/7BvKsAy5xb pic.twitter.com/I0SY8rtAOT
— ANI (@ANI) December 1, 2025
ભાજપના સાંસદોના વિરોધ છતાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમના સંબોધનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાનો ઉલ્લેખ કર્યો હતો. ખડગેએ કહ્યું, “મને આશા છે કે હું આ પહેલા સદનના સભાપતિ પદેથી અચાનક અપાયેલા રાજીનામાનો ઉલ્લેખ કરવા માટે મજબૂર થયો છું, તેનાથી તમને વાંધો નહીં હોય. સમગ્ર સદનના સંરક્ષક હોવાના નાતે સભાપતિ સરકાર તેમ જ વિપક્ષ બંને માટે સમાનરૂપે મહત્વપૂર્ણ છે. મને એ વાતનું દુ:ખ છે કે સદનને તેમને વિદાય આપવાનો અવસર પણ મળ્યો નહીં. સમગ્ર વિપક્ષવતી હું તેમના સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવું છું.
આ પણ વાંચો: જેપી નડ્ડાનો કોંગ્રેસ પર આકરો પ્રહાર: ગોળીઓ ખાતા રહ્યા અને બિરયાની ખવડાવતા રહ્યા…
દરમિયાન જેપી નડ્ડાને ખડગેનું આ નિવેદન પસંદ ન આવ્યું અને તેણે તેને ચર્ચાના વિષયથી ધ્યાન ભટકાવનારું ગણાવ્યું હતું. એના અંગે નડ્ડાએ પણ આકરો જવાબ આપતા કહ્યું હતું આપણે સ્વાગત સમારોહની ગરિમા જાળવવી જોઈએ. જો આવું જ થશે તો અમારી તરફથી પણ ચર્ચા થશે કે તેમના (ધનખડ) વિરુદ્ધ બે-બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. મને લાગે છે કે અમારા વિપક્ષના નેતા ખૂબ જ આદરણીય છે.
બિહાર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં મળેલી હારથી તમને ઘણી તકલીફ થઈ છે. આ તકલીફને ડોક્ટર સામે ફરિયાદ કરવી જોઈએ, જ્યારે સમય આવશે ત્યારે પોતાની તકલીફ ડોક્ટર સામે જણાવો.” નડ્ડાએ આ રીતે ખડગે પર તાજેતરની ચૂંટણીમાં મળેલી હારને લઈને કટાક્ષ કર્યો હતો.
જગદીપ ધનખડે આ વર્ષના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું હતું, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ હતી. તેણે સંવિધાનના અનુચ્છેદ 67 (A)નો હવાલો આપતા પોતાના રાજીનામામાં સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ અને તબીબી સલાહનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમનું અચાનક રાજીનામું રાજકારણનું એક મોટું ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.



