‘આંતરરાષ્ટ્રીય દબાણને કારણે અમે 26/11 પછી બદલો ન લીધો’, ચિદમ્બરમના ખુલાસા બાદ ખળભળાટ | મુંબઈ સમાચાર
નેશનલ

‘આંતરરાષ્ટ્રીય દબાણને કારણે અમે 26/11 પછી બદલો ન લીધો’, ચિદમ્બરમના ખુલાસા બાદ ખળભળાટ

મુંબઈ: આ વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. મે મહિનાના શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો, ત્યાર બાદ યુદ્ધ વિરામ માટે બંને દેશો સહમત થયા હતાં. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે, બાહ્ય દબાણને કારણે ભારત સરકાર યુદ્ધ વિરામ માટે સહમત થઇ હતી. એવામાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી ચિદમ્બરમે મુંબઈ આતંકવાદી હુમલા અંગે એક નિવેદન આપ્યું છે, જેને કારણે કોંગ્રેસ મુશ્કેલમાં મુકાઈ શકે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે એક ટીવી ઈન્ટરવ્યું દરમિયાન ખુલાસો કર્યો કે વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તત્કાલીન યુપીએ સરકાર પર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણ હતું. વિદેશ મંત્રાલયના વલણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સામે બદલો લેવામાં આવ્યો ન હતો.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે તેમણે બદલો લેવાનું વિચાર્યું હતું, પરંતુ સરકાર સહમત થઇ ન હતી. ચિદમ્બરમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

ભારત પર હતું દબાણ:

નોંધનીય છે કે મુંબઈ આતંકવાદી હુમલાના થોડા દિવસો બાદ ચિદમ્બરમે કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકેનો કાર્યભાર સંભળાવ્યો હતો. એક ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન ચિદમ્બરમે કહ્યું હતું કે, “આખી દુનિયા ભારત પર દબાણ કરી રહી હતી. અમને કહેવામાં આવ્યું કે તમે યુદ્ધ શરૂ ન કરતા.”

ચિદમ્બરમે કહ્યું, “મેં પદ સંભાળ્યાના બે-ત્રણ દિવસ પછી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ્સ કોન્ડોલીઝા રાઈસ મને અને વડા પ્રધાનને મળવા માટે ભારત આવી પહોંચ્યા હતાં. તેમણે અમને કહ્યું કે કોઈ પ્રતિક્રિયા ન આપતા. મેં કહ્યું કે આ નિર્ણય સરકાર લેશે. મારા મગજમાં એ વાત આવી કે આપણે બદલો લેવા માટે કંઈક કાર્યવાહી કરવી જોઈએ.”

ચિદમ્બરમે આગળ કહ્યું કે તેમણે વડા પ્રધાન અને અન્ય હોદ્દેદારોએ પાકિસ્તાન સામે બદલો લેવાની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, “વિદેશ મંત્રાલયની સલાહ હતી કે પરિસ્થિતિ પર સશસ્ત્ર પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં.”

ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા:

કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમ દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. કેન્દ્રીય પ્રહલાદ પ્રહલાદ જોશીએ કહ્યું કે ભૂતપૂર્વ ગૃહપ્રધાને સ્વીકાર્યું છે વિદેશી શક્તિઓના દબાણને કારણે મુંબઈ હુમલાના મુદ્દાને યોગ્ય રીતે સંભાળવામાં આવ્યો ન હતો, જો કે દેશ આ અંગે પહેલાથી જ જાણતો હતો.

આ પણ વાંચો…કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, ચિદમ્બરમની ટિપ્પણી પર ભાજપે માર્યો ટોણો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button