કેશ લેશ પેમેન્ટ પર ચાર્જ લેવાશે, RBIના ગવર્નરે શું કહ્યું?

કેશ લેશ પેમેન્ટ પર ચાર્જ લેવાશે, RBIના ગવર્નરે શું કહ્યું?

નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ નવી ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે. જોકે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરે તાજેતરમાં સંકેત આપ્યા છે કે UPI હંમેશા નિશુલ્ક રહી શકવાની શક્યતા ઓછી છે. હાલમાં UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગતો નથી, પરંતુ સરકારની સબસિડીના કારણે આ સેવા ફ્રીમાં મળી રહી છે. આ નિવેદનથી ડિજિટલ પેમેન્ટ પર ભવિષ્યમાં ચાર્જ અંગે ચર્ચા શરૂ થઈ છે.

મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, “કોઈ પણ સેવા, ખાસ કરીને પેમેન્ટ સિસ્ટમ, લાંબા સમય સુધી મફત ચાલી શકે નહીં. આ ખર્ચ કોઈકે તો ઉઠાવવો જ પડશે.” તેમણે સ્પષ્ટ કર્યું કે UPIની નિશુલ્ક સેવા સરકારની સબસિડી દ્વારા બેન્કો અને અન્ય હિતધારકોને આપવામાં આવે છે. જોકે, ચાર્જ લાગુ કરવા અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, અને ચાર્જ કોને લાગશે વેપારીઓને કે સામાન્ય યુઝર્સને તે પણ અસ્પષ્ટ છે.

UPIએ તાજેતરમાં વૈશ્વિક સ્તરે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. જૂન 2025માં UPI દ્વારા 18.39 અબજ ટ્રાન્ઝેક્શન થયા, જેની કુલ કિંમત 24.03 લાખ કરોડ રૂપિયા હતી. આ આંકડાએ વિઝા દ્વારા થતા પેમેન્ટ આંકડાને પણ પાછળ છોડી દીધું છે, જે ભારતને રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં વૈશ્વિક અગ્રણી બનાવે છે. UPIની આ લોકપ્રિયતાએ નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગો સુધીના વ્યવહારોને સરળ બનાવ્યા છે, પરંતુ તેના ખર્ચનું ભારણ લાંબા ગાળે કેવી રીતે સંભાળવું તે એક મોટો પડકાર છે.

ભવિષ્યમાં શું થશે ચાર્જ?
RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સમાં ચિંતા વધી છે, કારણ કે ચાર્જ લાગવાથી ડિજિટલ પેમેન્ટનું આકર્ષણ ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ચાર્જ લાગુ થશે તો તે મુખ્યત્વે વેપારીઓ પર લાગી શકે છે, જેમના ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધુ હોય છે. જોકે, આ ચાર્જની રચના અને તેનો અમલ કેવી રીતે થશે તે હજુ કોઈ પણ વાતની સ્પષ્ટતા મળી નથી. RBI અને સરકારે આ મુદ્દે સંતુલિત નિર્ણય લેવાની જરૂર છે, જેથી UPIની લોકપ્રિયતા અને સુલભતા જળવાઈ રહે.

UPIની સફળતાએ ભારતને ડિજિટલ અર્થતંત્રમાં વૈશ્વિક નેતૃત્વ આપ્યું છે, પરંતુ તેની નિશુલ્ક સેવાની ટકાઉપણું એક મોટો સવાલ છે. સરકાર અને RBI હાલમાં બેન્કો અને પેમેન્ટ પ્લેટફોર્મ્સને સબસિડી આપે છે, પરંતુ આ લાંબા ગાળે ચાલુ રાખવું નાણાકીય રીતે પડકારજનક હોઈ શકે છે. ભવિષ્યમાં ચાર્જ લાગુ થાય તો તેની અસર નાના વેપારીઓ અને ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે. આ સ્થિતિમાં RBIએ એવી નીતિ ઘડવી પડશે જે UPIની લોકપ્રિયતાને જાળવી રાખે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button