શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ
લૉન્ચિંગ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાના લૉન્ચિંગમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. (એજન્સી)
નવી દિલ્હી: ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ) સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી. જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક ડિજિટલ ટેક્નોલોજી સાથે ઐતિહાસિક સંબંધોના જોડાણ તરીકે વર્ણવ્યું હતું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથે વડા પ્રધાન મોદી સાથે ઓનલાઇન જોડાઇને સિસ્ટમને લોન્ચ કરી હતી. આ વર્ચ્યુઅલ સમારોહમાં ભારતની રૂપે કાર્ડ સેવાઓ પણ મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી. આ તકે મોદીએ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવી ફિનટેક સેવાઓ બન્ને રાષ્ટ્રોને મદદ કરશે અને કહ્યું કે યુપીઆઇ ભારત સાથે ભાગીદારોને એક કરવાની નવી જવાબદારીઓ અમલમાં મૂકી રહ્યું છે. તેમણે કહ્યું કે આજનો દિવસ હિંદ
મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે ખાસ છે કારણ કે અમે અમારા ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડી રહ્યા છીએ.
શ્રીલંકા અને મોરેશિયસમાં ભારતીય સેવાઓની શરૂઆત નવી દિલ્હીના બન્ને દેશો સાથેના દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાં વધારા વચ્ચે આવી છે. આ પગલાથી શ્રીલંકા અને મોરેશિયસની મુસાફરી કરતા ભારતીય નાગરિકો તેમ જ ભારત પ્રવાસ કરતા મોરેશિયસ નાગરિકો માટે યુપીઆઇ સેટલમેન્ટ સેવાઓની ઉપલબ્ધતા સક્ષમ બને છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ) દ્વારા વિકસિત યુપીઆઇ એ મોબાઇલ ફોન દ્વારા આંતર-બેંક વ્યવહારોની સુવિધા માટે તાત્કાલિક રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. રૂપે એ ભારતમાંથી વૈશ્વિક કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે, જે દુકાનો, એટીએમ અને ઓનલાઇન પર વ્યાપક સ્વીકૃતિ ધરાવે છે.