બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાનો દીકરો જીન્સ અને શર્ટમાં શપથ લેવા પહોંચતા બન્યો ચર્ચાનું કારણ, લોકોએ પૂછ્યું કઈ રીતે મંત્રી બનાવ્યો?

નવી દિલ્હી: બિહારમાં એનડીએની આગેવાની હેઠળ નવી સરકારનું ગઠન કર્યું હતું. બિહારમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા મુદ્દે પણ નીતીશ કુમારે રેકોર્ડ બનાવ્યા છે. દસમી વખત શપથ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમની સાથે 26 અન્ય મંત્રીએ પણ શપથ લીધા, જેમાં ત્રણ મહિલા મંત્રીનો પણ સમાવેશ થાય છે.
આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, પરંતુ આ તમામ નામમાં આરએલએમ (RLM) પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશનું નામ જોરદાર ચર્ચામાં રહ્યું છે. દીપક પ્રકાશે વિધાનસભાની ચૂંટણી લડી નહીં હોવા છતાં તેને સીધા કેબિનેટ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે, જેનું સૌને આશ્ચર્ય પણ થયું છે.
આપણ વાચો: નીતીશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા; સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા બન્યા ડેપ્યુટી CM
દીપક પ્રકાશને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે, તેની જાણ તેમને શપથગ્રહણના થોડા સમય પહેલા જ થઈ હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વાતની જાણ તેમને પણ છેલ્લી ઘડીએ જ થઈ. જોકે, શપથગ્રહણ દરમિયાન તેમના પહેરવેશને લઈને ખાસ્સી ચર્ચા થઈ. પરંપરાગત કૂર્તા-પાયજામાને બદલે દીપક પ્રકાશે ડેનિમ જીન્સ, શર્ટ અને ક્રોક્સ પહેરીને સ્ટેજ પર શપથ લીધા હતા.
મીડિયા દ્વારા જ્યારે તેને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે દીપક પ્રકાશે કહ્યું, “કપડાંથી શું ફરક પડે છે? મને સમય આપો, હું સારું કામ કરીને બતાવીશ.” વળી, પરિવારવાદના મુદ્દે તેમણે સ્પષ્ટ કહ્યું, “હું ઉપેન્દ્ર કુશવાહાનો પુત્ર છું, આ વાતનો હું ઇનકાર કરી શકું નહીં. મને મંત્રી કેમ બનાવવામાં આવ્યો તે તમે પિતાજીને પૂછી જુઓ.”
આપણ વાચો: ‘હું ક્યાંય જવાનો નથી, એનડીએમાં જ રહીશ’: નીતીશ કુમારે શા માટે સ્પષ્ટતા કરી
દીપક પ્રકાશના મંત્રી બન્યા બાદ એક અન્ય મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે તેઓ હાલમાં વિધાનસભાના સભ્ય (MLA) નથી. બંધારણના નિયમ મુજબ તેને છ મહિનાની અંદર બિહાર વિધાન પરિષદ (MLC)ના સભ્ય બનવું પડશે.
આ સ્થિતિમાં રાજકીય ચર્ચા છે કે દીપક પ્રકાશને MLC બનાવવા માટે JDU કે ભાજપમાંથી કોઈ પાર્ટી પોતાની બેઠકનું બલિદાન આપશે? NDA ગઠબંધન હેઠળ આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે, પરંતુ આ મુદ્દો હાલમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
નીતીશ કુમારના આ નવા મંત્રીમંડળમાં જ્યાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ થયો છે, ત્યાં 18 જેટલા જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, જેઓ અગાઉની સરકારમાં મંત્રી પદ પર હતા.
જે મંત્રીઓને આ વખતે કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, તેમાં રત્નેશ સદા, જયંત રાજ કુશવાહા, શીલા મંડલ, મહેશ્વર હજારી, સંતોષ સિંહ, જીવેશ કુમાર, કેદાર ગુપ્તા, કૃષ્ણનંદન પ્રસાદ, હરી સહની, જનક રામ, રાજુ કુમાર સિંહ, નીતિશ મિશ્રા, નીરજ સિંહ, રેણુ દેવી, વિજય કુમાર મંડલ, કૃષ્ણા કુમાર મંટુ, મોતી લાલ પ્રસાદ અને પ્રેમ કુમાર જેવા નામોનો સમાવેશ થાય છે. નવા ફેરફારો દર્શાવે છે કે નીતીશ કુમારે તેમની નવી ઈનિંગમાં સત્તા અને જવાબદારી એમ બંને વચ્ચે સંતુલન કેળવવું પડશે.



