‘છાંગુર બાબા’નું ધર્માંતરણ રેકેટ: 1500થી વધુ યુવતીને નિશાન બનાવનાર માસ્ટરમાઇન્ડ કોણ?

લખનઉ: ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ કેરળની 32,000 મહિલા પર આધારિત હતી, જેઓ ઇસ્લામિક દેશોમાં નર્સ તરીકે કામ કરવા ગઇ હતી, પરંતુ તેમનું બળજબરીથી ધર્માંતરણ કરાવીને આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવી હતી. જોકે, હવે ઉત્તર પ્રદેશથી પણ 1500થી વધુ યુવતીનું ધર્માંતરણ થયાની ઘટના સામે આવી છે. યુપી (ઉત્તર પ્રદેશ) એટીએસ દ્વારા આ ધર્માંતરણ પાછળ રહેલા માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાની ધરપકડ કરવામાં આવી છે.
ધર્માંતરણ કરાવનાર છાંગુર બાબા કોણ છે?
છાંગુર બાબાનું સાચું નામ જમાલુદ્દીન છે. તેણે હજારો હિન્દુ અને બિન-મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓનું ગેરકાયદે ધર્માંતરણ કરાવ્યું હતું. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં રહેતો છાંગુર બાબા બિન-મુસ્લિમોને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દરેક રીતે લલચાવતો હતો. બલરામપુર આવતા પહેલા તેણે મહારાષ્ટ્ર અને દુબઈમાં પોતાનું નેટવર્ક સ્થાપિત કરી લીધું હતું. મહારાષ્ટ્રમાં પણ તેણે મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદે ધર્માંતરિત કરાવ્યા છે. તે મુંબઈમાં એક દરગાહની બહાર વીંટીઓ વેચતો હતો. તે ટૂંક સમયમાં તે ગેરકાયદેસર ધર્માંતરણના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ભાગ બની ગયો. હિન્દુઓને ઇસ્લામમાં રૂપાંતરિત કરવામાં રોકાયેલા ગલ્ફ દેશોના ઘણા સંગઠનોમાં પણ તે સામેલ હતો. બલરામપુર આવ્યા બાદ તેણે આસપાસના જિલ્લાઓમાં ગેરકાયદે ધર્માંતરણ કરવાનું શરૂ કર્યું હતું.
ધર્માંતરણના કાર્યક્રમનું આયોજન કરતા
છાંગુર બાબાના નજીકના સંબંધીઓ અને અનુયાયીઓ વિવિધ સ્થળોએ જતા હતા અને લોકોને ઇસ્લામમાં જોડાવા માટે પ્રેરિત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરતા હતા. બે વર્ષ પહેલાં, આઝમગઢમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે તેના ઘણા સંબંધીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. જો STF તપાસ અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તેણે બલરામપુર અને નજીકના જિલ્લાઓમાં કેટલાક પોલીસ, વહીવટીતંત્ર, LIU અધિકારીઓને ખૂબ મોટી રકમ આપીને ખરીદ્યા હતા. જેથી તેનો વિરોધ કરનારાઓ સામે તાત્કાલિક કેસ નોંધવામાં આવતો હતો. છાંગુર બાબાના સમર્થકો તેનો વિરોધ કરનારાઓને માર મારતા હતા અને બાદમાં પીડિતા સામે કેસ દાખલ કરતા હતા.
છાંગુર બાબાના સાથીદારે ખરીદી જમીન
છાંગુર બાબા સાથે તેનો ભાગીદાર નવીન રોહરા ઉર્ફે નસરીન પણ સામેલ હતો. દુબઈથી બલરામપુર આવ્યા બાદ નસરીન મોટી સંખ્યામાં જમીન ખરીદી રહ્યો હતો. વિદેશથી કરોડો રૂપિયા તેના ખાતામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના રૂપિયા તેની પત્ની નીતુ, છાંગુર અને તેના દીકરા મહેબૂબના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવીનનું સ્વિસ બેંકમાં પણ ખાતું છે. જોકે, આખરે તેનું ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે.
છાંગુર બાબાની થઈ ધરપકડ
છેલ્લા 8 મહિનાથી છાંગુર બાબા ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. પરંતુ સઘન તપાસ અને શોધખોળ બાદ યુપી એટીએસ દ્વારા છાંગુર બાબા અને નસરીનની 6 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. યુપી એટીએસએ તેને આજે NIA સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટમાં એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છાંગુર બાબા હિન્દુ ધર્મ પ્રત્યે નફરત ફેલાવીને ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માંગે છે. તેનો ઈરાદો બલરામપુરમાં એક ઇસ્લામિક દાવા કેન્દ્ર અને મદરેસા બનાવવાનો હતો.
લાલચ આપીને ગેરકાયદે રીતે ધર્માંતરણ કરાવતો
એટીએસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, જમાલુદ્દીન ગરીબ, લાચાર મજૂરો, નબળા વર્ગના લોકો, હિન્દુ અને બિન-મુસ્લિમ સમુદાયોની વિધવા મહિલાઓને આર્થિક મદદ, લગ્ન, નોકરીની લાલચ આપીને ગેરકાયદે રીતે ધર્માંતરણ કરાવતો હતો. ઘણા લોકોને ધાકધમકી આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર ધર્માંતરણ દ્વારા મુસ્લિમોની સંખ્યા વધારીને તે દેશની વસ્તી વિષયક સ્થિતિને અસર કરી રહ્યો હતો.
છાંગુર બાબાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ઉલ્લેખનીય છે કે, NIA સ્પેશિયલ કોર્ટ યુપી એટીએસને છાંગુર બાબા અને નસરીનના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન યુપી એટીએસ છાંગુર બાબા અને નસરીનને બલરામપુર લઈ જઈને ધર્માંતરણ સંબંધિત દસ્તાવેજો રિકવર કરશે.સાથોસાથ તેમના મોબાઈલમાંથી પણ જરૂરી ડેટા લેવામાં આવશે તથા પરદેશથી આવતી નાણાકીય મદદ અને તેમના અન્ય સાગરીતો અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો : મુસ્લિમ પિતા-પુત્રની જોડીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો…