Kannauj માં નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડયો, 18 કામદાર ઘાયલ, ત્રણની હાલત ગંભીર
કન્નૌજ : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં(Kannauj)નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડતાં અનેક કામદારો કાટમાળ નીચે ફસાયા છે. જોકે, બચાવ કામગીરી દરમિયાન કેટલાક કામદારોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ 18 કામદારો ઘાયલ થયા છે જેમાં ત્રણની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: રેલ્વે સ્ટેશનો પર મળશે સસ્તા ભાવે લોટ, ચોખા
રાહત અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવ્યું
આ દુર્ઘટનાની વિગત મુજબ યુપીના કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એક બાંધકામ ચાલી રહ્યું હતું. આ સ્ટેશનનો ભાગ(લિંટેલ) બાંધકામ દરમિયાન અચાનક તૂટી પડ્યો હતો. જેમાં અનેક મજૂરો લિંટેલ(બીમ) નાખવામાં વ્યસ્ત હતા. આ અકસ્માત બાદ સમગ્ર સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. તેની બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં અનેક કામદારો ઘાયલ થયા છે. હજુ સુધી ચોક્કસ સંખ્યા અંગે માહિતી મળી નથી.
કન્નૌજ રેલ્વે સ્ટેશન અકસ્માતની તપાસ કરવામાં આવશે
આ અકસ્માત શનિવારે બપોરે ૩ વાગ્યે કન્નૌજ રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. આ અંગે ડીએમ શુભ્રંત કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત પાછળના કારણોની પણ તપાસ કરવામાં આવશે. દરમિયાન, કન્નૌજ ડીએમએ જણાવ્યું હતું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.
સીએમ યોગીએ અધિકારીઓને મદદ પૂરી પાડવાના આદેશ આપ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્નૌજ જિલ્લામાં થયેલા આ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક અસરથી શક્ય તમામ મદદ પૂરી પાડવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે. ઘાયલોની ઝડપી અને યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી છે. સીએમ યોગીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી.