યુપીમાં ભારે થઈઃ વાનર બની સીતા માતાને શોધવા ગયેલા બે કેદી પાછા ન આવ્યા, હવે પોલીસ તેને શોધે છે
હરિદ્વારઃ ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં એક ગંભીર પણ રમૂજ ઉપજાવે તેવી ઘટના ઘટી છે. અહીંની જેલમાં શુક્રવારે રાત્રે દર વર્ષની જેમ રામાયણ ભજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉત્તર ભારતના રાજ્યોમાં રાવણ દહન અને દશેરાના દિવસોમાં રામલીલાનો અલગ જ મહિમા હોય છે, તેને ધ્યાનમાં રાખી પ્રશાસન દર વર્ષે રામલીલાનું આયોજન કરે છે.
આ વખતે પણ શુક્રવારે રાત્રે રામાયણ ભજવવાનું હતું. જેલના કેદીઓ જ અલગ અલગ ભૂમિકા ભજવી રહ્યા હતા. આખું પ્રશાસન કાર્યક્રમમાં વ્યસ્ત હતું. જેલના બે કેદીઓને વાનરનો રોલ આપવામાં આવ્યો હતો. આ બન્નેએ માતા સીતાને શોધવા જવાનું હતું. આ વાનરો માતા સીતાને શોધવા તો ગયા પણ પાછા આવ્યા નહીં. બન્ને કેદીઓએ તકનો ગેરફાયદો ઉઠાવ્યો અને ત્યાં પડેલી સીડીની મદદ લઈ જેલની દિવાલ ફાંદી નીકળી ગયા. કેદીઓ ન આવતા જેલ પ્રશાસન હરકતમાં આવ્યું અને કેદીઓની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો :Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન
કેદીઓની ઓળખ પંકજ અને રાજકુમાર તરીકે થઈ છે. એક હત્યા તો એક અપહરણના કેસમાં જેલ ભોગવી રહ્યા હોવાની માહિતી મળી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેલની સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળેલી કચાશ અંગે લોકો ટીકા પણ કરી રહ્યા છે.