નેશનલ

૪૭ વર્ષે પણ નહોતા થઈ રહ્યા લગ્ન, આથી પાડોશી પર પડી શંકા અને…. હવે આજીવન કેદ…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વારંવાર લગ્નના સંબંધો તૂટી જવાથી નારાજ 47 વર્ષના એક વ્યક્તિએ તેના 55 વર્ષીય પાડોશીની લાકડી વડે ફટકારીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે હત્યારા આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઘટના ફિરોઝાબાદના સિરસાંગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે, જ્યાં 16 ઓગસ્ટ 2020ના રોજ આ ગુનો આચરવામાં આવ્યો હતો.

શંકાના આધારે પાડોશીની હત્યા
આ અંગે સતાધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી રામખિલાડી લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેના સંબંધો એક પછી એક તૂટી રહ્યા હતા. તેને શંકા હતી કે પાડોશી ખેડૂત ગંગા સિંહ છોકરીવાળાઓને ખોટી માહિતી આપીને તેના સંબંધો બગાડી રહ્યા છે. આ ગુસ્સામાં રામખિલાડીએ 16 ઓગસ્ટ 2020ના રોજ ગંગા સિંહ પર ખેતરમાં જતી વખતે લાકડી વડે હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ગંગા સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મીડિયા અહેવાલ અનુસાર, મૃતક ગંગા સિંહના પુત્ર હરવેન્દ્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેના પિતાની ચીસો સાંભળીને તે અને તેનો ભાઈ સુરેન્દ્ર દોડી આવ્યા હતા, ત્યારે રામખિલાડી અને તેના બે અજાણ્યા સાથીઓએ તેમને પણ મારવાની ધમકી આપી હતી. આ બંને ભાઈઓ જ ઘટનાના મુખ્ય ચશ્મદીદ ગવાહ બન્યા હતા. પોલીસે રામખિલાડી વિરુદ્ધ બીએનએસની કલમ 302 હેઠળ ગુનો નોંધીને ચાર્જશીટ દાખલ કરી હતી.

આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ
કેસની સુનાવણી દરમિયાન આરોપી રામખિલાડીએ પોતાને માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મેડિકલ તપાસમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ જણાયો હતો. તેની જામીન અરજીને પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ચશ્મદીદોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે, કોર્ટે શનિવારે રામખિલાડીને આજીવન કેદ અને રૂ. 50,000નો દંડ ફટકારવાની સજા સંભળાવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button