આ તે કેવી આતશબાજી? UPમાં ચાર બાળકોના થયા મોત, મૃતદેહ હવામાં ફંગોળાયા
બુંદેલખંડઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બુંદેલખંડમાં ગૌરવ મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે આતશબાજી કરવામાં આવી, પણ ફટાકડા ફૂટવાને બદલે જાણે બોમ્બ બ્લાસ્ટ થયો અને ચાચ વિદ્યાર્થીના ભોગ લઈ લીધા. આ વિચિત્ર ઘટના અહીં ગૌરવ મહોત્સવ ચાલતો હતો ત્યારે બની હતી. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે એક મૃતદેહ છતથી 40 ફૂટ ઉપર પડ્યો હતો. જમીનમાં લગભગ પાંચ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હોવાનું અહેવાલો જણાવે છે.
બુંદેલખંડ (Bundelkhand) ગૌરવ મહોત્સવ ચિત્રકૂટ ઈન્ટર કોલેજમાં ઉજવાઈ રહ્યો હતો. એવી માહિતી પણ મળી ચે કે અહીં આતશબાજી જોવા આવેલા આ ચારેય કિશોર ફટાકડાના ઢગલા પાસે જ ઊભા હતા અને બ્લાસ્ટ થયો, જેમાં તેમના મોત થયા.
બુધવારે બે દિવસીય બુંદેલખંડ ગૌરવ મહોત્સવનું સમાપન સમારોહ હતો. ફિલ્મ કલાકારોના સ્ટેજ અને ફટાકડાના શોની તૈયારીઓ ચાલી રહી હતી. આધુનિક ફટાકડા માટે ઇલેક્ટ્રિકલ વાયર સ્થળની પાછળ લગભગ 60 મીટરની આસપાસ નાખવામાં આવ્યા હતા. ઈમરજન્સી માટે બેટરીઓ પણ લગાવવામાં આવી હતી. આ વાયરો વડે 22 સ્ટેન્ડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. હાલમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ ચારેય મિત્રોમાંથી કોઈ એકે વાયરને અડ્યો હતો, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને ફટાકડામાં આગ લાગી હતી. અચાનક જોરદાર વિસ્ફોટ થયા. આ ચાર કિશોરમાંથી એકનો મૃતદેહ હવામાં ફંગોળાયો હતો અને લગભગ 40 ફૂટ ઉંચી કોલેજની છત પર પડ્યો હતો. જ્યારે અન્યનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. બેના ચહેરા અને હાથ-પગ બળી ગયા હતા.
માહિતી મળતાની સાથે જ ચાર એમ્બ્યુલન્સ આવી પહોંચી અને તમામને જિલ્લા હોસ્પિટલ લઈ ગઈ. ગંભીર રીતે દાઝી ગયેલા બંને બાળકોને પ્રયાગરાજ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું પણ રસ્તામાં મોત નિપજ્યું હતું. રાત્રે તેના પરિવારજનોએ હોસ્પિટલમાં આવીને તેની ઓળખ કરી હતી.
એવો અંદાજ છે કે સ્થળ પર ફટાકડા ફોડવા માટે લગાવવામાં આવેલા 22 સ્ટેન્ડ રાખવામાં આવ્યા હતા. આયોજકો આ અંગે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ સ્થાનિક ફટાકડા વેચતા દુકાનદારોનું કહેવું છે કે જો આ ફટાકડા એક સાથે ફૂટ્યા હોત તો લગભગ 30 મીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને અસર થઈ હોત.
સુરક્ષા વ્યવસ્થાના નામે, ફટાકડા ફોડવા માટે સ્થળની આસપાસ ફાયર બ્રિગેડનું વાહન પાર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ ફટાકડા સ્ટેન્ડ નજીક કોઈને પહોંચતા અટકાવવા માટે કોઈ સુરક્ષા કર્મચારી કે આયોજક ટીમના સભ્ય ન હતા, તેવી માહિતી મળી છે. આ તમામ ટેકનિકલી મેનેજ કરી શકાય તેવા ફટાકડાઓ રિમોટ અને ઈલેક્ટ્રીકલ બોર્ડની સ્વીચ દ્વારા ફોડવામાં આવતા હોય છે, પરંતુ આ અકસ્માત સર્જાતા 11થી 14 વર્ષના ચાર કિશોરે જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારનું આક્રંદ સૌને રડાવી ગયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.