યુપી મદરસા બોર્ડ એકટ ગેરબંધારણીય: અલાહાબાદ હાઇ કોર્ટ
લખનઊઃ અલાહાબાદ હાઈકોર્ટે ‘યુપી બોર્ડ ઓફ મદરસા એજ્યુકેશન એક્ટ 2004’ને બિનબંધારણીય ગણાવ્યું છે અને બિનસંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે યોગી સરકારને હાલમાં મદરેસામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વધુ શિક્ષણ માટે યોજના ઘડવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું છે કે આ કૃત્ય ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોર્ટે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને બેઝિક એજ્યુકેશન સિસ્ટમમાં એડજસ્ટ કરવાની પણ વાત કરી છે. અરજદાર અંશુમાન સિંહ રાઠોડે પિટિશન દાખલ કરીને યુપી મદરેસા બોર્ડની સત્તાઓને પડકારી હતી. આ કેસમાં જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
યુપી મદરેસા બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેો વિગતવાર ઓર્ડર જોશએ. તેનો અભ્યાસ કરશે. વકીલોની સલાહ લેશે. આ બે લાખ બાળકોના ભવિષ્યનો સવાલ છે. તેમના રોજગાર છિનવાઇ જશે. અલાહાબાદ હાઇ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.
નોંધનીય છે કે અલાહાબાદ હાઇ કોર્ટનો આ નિર્ણય રાજ્ય સરકારે રાજ્યમાં ઇસ્લામિક શિક્ષણ સંસ્થાઓનો સર્વે કરવાના નિર્ણય લીધાના મહિનાઓ બાદ આવ્યો છે. રાજ્ય સરકારે ઑક્ટોબર 2023માં વિદેશથી થતા મદરેસા ફંડિંગની તપાસ કરવા માટે SITની પણ રચના કરી હતી, જેની તપાસ ચાલુ છે.