યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનો મોટો નિર્ણય: નવા પ્રદેશપ્રમુખની કરી નિમણૂક, જાણો કોણ છે?

લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશ (યુપી)માં આખરે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ નવા પ્રદેશપ્રમુખની નિમણૂક કરી દીધી છે.
આજે કેન્દ્રીય પ્રધાન પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પીયૂષ ગોયલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં પંકજ ચૌધરીના નામની જાહેરાત કરી હતી.
આપણ વાચો: અમિત શાહે સુરત મુલાકાતથી ‘એક કાંકરે માર્યા બે તીર’: નવરાત્રિમાં જાહેર થઈ શકે પ્રદેશપ્રમુખનું નામ…
7 વખત સાંસદ બની ચૂક્યા છે પંકજ ચૌધરી
અહીંના કાર્યક્રમમાં આદિત્યનાથની હાજરીમાં તેમના નામની જાહેરાત કરી હતી. કાર્યક્રમની શરુઆતમાં સ્વસ્તિ વાચન, શંખનાદ અને ડમરુ વાદન સાથે કર્યું હતું. આજે લખનઉ ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પંકજ ચૌધરીને પ્રદેશ પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા હતા.
જેમાં કેન્દ્રીય ચૂંટણી પ્રભારી પીયૂષ ગોયલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શપથગ્રહણ બાદ વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકર્તાઓએ પંજક ચૌધરીને પ્રદેશ પ્રમુખ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આપણ વાચો: અબ કી બાર ‘પાટીલ-રાજ’: ગુજરાત પ્રદેશપ્રમુખને ‘આ’ કારણ મળશે એક્સટેન્શન…
ચૌધરીને યોગી આદિત્યનાથનું સમર્થન
ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી મહારાજગંજ લોકસભા બેઠક પરથી 7 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલ તેઓ કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન તરીકેનો પદભાર પણ સંભાળી રહ્યા છે.
તેઓ કુર્મી સમાજમાંથી આવે છે. ઓબીસી (Other Backward Class) વોટ બેંક મજબૂત કરવા માટે ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશપ્રમુખ પંકજ ચૌધરી
1999 અને 2009માં બે વખત હાર્યા પણ ખરા
પંકજ ચૌધરી પૂર્વે વિનય કટિયાર, ઓમ પ્રકાશ સિંહ અને સ્વતંત્ર દેવ સિંહ યુપી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. આ ત્રણેય કુર્મી સમુદાયમાંથી આવ્યા હતા. પંકજ ચૌધરીની રાજકીય કારકિર્દીની શરુઆત 1989માં ગોરખપુર પાલિકાના નગરસેવકથી થઈ હતી. ત્યાર પછી તેઓ ગોરખપુર ડેપ્યુટી મેયર પણ બન્યા હતા. 27 વર્ષની ઉંમરમાં ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
1991, 1996, 1998, 2004, 2014, 2019 અને 2024માં મહારાજગંજ લોકસભા સીટ પરથી સાત વખત જીત્યા હતા. 1999 અને 2009માં સમાજવાદી પાર્ટીના કુંવર અખિલેશ સિંહ અને કોંગ્રેસના હર્ષવર્ધન શ્રીનેતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
પંકજ ચૌધરી બિનહરીફ ચૂંટાયા
13 ડિસેમ્બર 2025ના રોજ પંકજ ચૌધરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે નામાંકન દાખલ કર્યું હતું. પંકજ ચૌધરીના નામાંકન માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પ્રસ્તાવક બન્યા હતા. ખાસ વાત એ છે કે, ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખનું નામાંકન દાખલ કરનાર પંકજ ચૌધરી એકમાત્ર ભાજપના નેતા હતા. તેથી તેમનું બિનહરીફ ચૂંટાઈ આવવું નક્કી હતું.
રાષ્ટ્રીય પરિષદના સભ્યોની થઈ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ સિવાય ઉત્તર પ્રદેશમાં રાજ્યની રાષ્ટ્રીય પરિષદના 120 સભ્યોની ચૂંટણી પણ થઈ ગઈ છે. રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, બ્રિજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય, ભૂપેન્દ્ર ચૌધરી, સ્મૃતિ ઈરાની, સૂર્ય પ્રતાપ શાહી, સ્વતંત્ર દેવ સિંહ, રમાપતિ રામ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશ ભાજપ તરફથી રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય પરિષદના સભ્યો ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરે છે. જેથી હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે, એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.



