UP 10 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં તીવ્ર હરિફાઇ થવાની સંભાવના
લખનૌઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ (UP)માં ભાજપ સામે ઇન્ડિ બ્લોકે નોંધપાત્ર લાભ મેળવ્યો હોવાથી ખાલી પડેલી ૧૦ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં તીવ્ર હરીફાઇ થવાની સંભાવના છે. જેમાં શાસક પક્ષ તેની પકડ પાછી મેળવવા માટે દબાણ હેઠળ છે.
ચૂંટણી પંચ દ્વારા હજુ પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે સમાજવાદી પાર્ટી (એસપી) અને કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેઓ ઇન્ડિયા બ્લોક હેઠળ સાથે મળીને ચૂંટણી લડશે.
સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ પણ તેમના નેતાઓના જણાવ્યા અનુસાર તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત નવ વિધાનસભા સભ્યો લોકસભામાં ચૂંટાયા બાદ બેઠકો ખાલી પડી હતી. જ્યારે કાનપુરના સિસામાઉના સપા ધારાસભ્ય ઇરફાન સોલંકીને ફોજદારી કેસમાં જેલની સજા ફટકાર્યા બાદ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શું રૂપૌલીથી વિધાન સભાની ચૂંટણી લડશે લાલુ પ્રસાદ! હારશે તો વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે!
યુપી વિધાનસભા વિશેષ સચિવ બ્રજભૂષણ દુબેના જણાવ્યા મુજબ ૧૦ બેઠકો પર ખાલી જગ્યા અંગેની માહિતી ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે. પ્રક્રિયા મુજબ છ મહિનામાં આ બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવી શકે છે.
આમાંથી પાંચ બેઠકો ૨૦૨૨માં સમાજવાદી પાર્ટીએ જીતી હતી જ્યારે એક બેઠક રાષ્ટ્રીય લોક દળ(આરએલડી)ને મળી હતી તે જે તે સમયે એસપી સાથે ગઠબંધનમાં હતું. ત્રણ બેઠકો ભાજપે જીતી હતી અને એક બેઠક ભાજપના સહયોગી નિષાદ પાર્ટીના ખાતામાં ગઇ હતી.