ટોપ ન્યૂઝનેશનલ

ઓડિશામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો! વીજળી પડતા 10 લોકોના મોત, ઓરેન્જ એલર્ટ જાહેર

ભુવનેશ્વર, ઓડિશાઃ ઓડિશામાં ભારે વરસાદમાં પડેલી વીજળીના કારણે 10 લોકોનું અકાળે મોત થયું છે. વીજળી પડવાના કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ઘાયલ લોકોને સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. વીજળી પડવાના કારણે ઓડિશાના કોરાપુટના ત્રણ, ગંજમ, જાજપુર અને ઢેંકાનાલ જિલ્લામાં બે-બે લોકોનું મોત થયું છે, જ્યારે ગજપતિમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકોમાં 6 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઓડિશાના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ સાથે આગામી બે દિવસ માટે ઓડિશાના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે સાથે વાવાઝોડું પણ આવ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારમાં પડેલી વીજળીના કારણે 10 લોકોનું મોત પણ થયું છે. જેના કારણે પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ હતી.

લક્ષ્મીપુર વિસ્તારમાં વીજળીના કારણે 3 લોકોના મોત

ઘટનાની વાત કરવામાં આવે તો, કોરાપુર જિલ્લામાં આવેલા ભારે વરસાદના કારણે લક્ષ્મીપુર વિસ્તારમાં અચાનક પડેલી વીજળીના કારણે ત્રણ લોકોના મોત થયાં છે. મૃતકોમાં ઓડિયાપેંટા પંચાયતના પોરડીગુડા ગામની એક વૃદ્ધ મહિલા અને તેની પૌત્રીનો પણ સમાવેશ થાય છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મૃતક મહિલાની ઓળખ 60 વર્ષીય બુરુડી મંડિંગા અને તેની પૌત્રી કાશા મંડિંગા તરીકે થઈ છે.

ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત

લક્ષ્મીપુર વિસ્તાર સિવાય કોરાપુરના કંબરાગુડા ગામમાં રહેવાશી અંબિકા કાશી પર પણ વીજળી પડી હતી. ખેતરમાં કામ કરતી વખતે તેમને પર વીજળી પડવાથી ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ઢેંકાનાલ જિલ્લાના કામાખ્યાનગર બ્લોકના કુસુમંડિયા ગામમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું છે. જ્યારે આ જ જિલ્લાના ગોંદિયા પોલીસ હદ હેઠળના કાબેરા ગામમાં પણ વીજળી કારણે એક યુવકનું મોત થયું. આ સાથે ગંજમમાં પણ ભારે વરસાદના કારણે વીજળી પડી જેના કારણે એક યુવતીનું મોત થયું હતું. આ દરેક કેસમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો…..ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button