યુનિવર્સિટીઓ અને કોલેજોને મોદીની તસવીરો સાથે સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા આદેશ

દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશ(UGC)ને દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને આદેશ આપ્યો છે કે કેમ્પસમાં બેકગ્રાઉન્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે સેલ્ફી પોઈન્ટ મુકે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણ નિયમનકાર UGCએ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આ સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી ક્લિક કરવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા પ્રોત્સાહિત કરવા માટે કેમ્પસ પ્રસાશનને દબાણ કર્યું છે. કેટલાક શિક્ષણવિદોએ UGC પર શૈક્ષણિક સંસ્થાઓને “કલ્ટ-બિલ્ડિંગ” કવાયતમાં ચલાવવાનો આરોપ મૂક્યો હતો. જે વિદ્યાર્થીઓને ભાજપના પ્રચારકો બનાવે છે.
યુજીસી તરફથી યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને તમામ કોલેજોના આચાર્યોને શુક્રવારે મોકલવામાં આવેલ ઈ મેઈલમાં જણાવાયું છે કે, “યુવાનોની ઊર્જા અને ઉત્સાહનો ઉપયોગ કરવાની, વિવિધ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિમાંથી પ્રેરણા લઈને તેમના મનને ઘડવાની અનોખી તક છે. તમારી સંસ્થામાં ‘સેલ્ફી પોઈન્ટ’ સ્થાપિત કરીને આપણા દેશ દ્વારા કરવામાં આવેલી અવિશ્વસનીય પ્રગતિની ઉજવણી અને પ્રસાર કરીએ. ‘સેલ્ફી પોઈન્ટ’નો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ, ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળની નવી પહેલો વિશે યુવાનોમાં જાગૃતિ લાવવાનો છે”
ઈમેઈલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “તમને વિનંતી કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આ ખાસ પળોને કેપ્ચર કરવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા માટે પ્રોત્સાહિત કરો, સામૂહિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપો.”
UGCએ સેલ્ફી પોઈન્ટ માટે વિવિધ પ્રકારની ડિઝાઈન સૂચવી છે. દરેક ડિઝાઇન ચોક્કસ થીમને સમર્પિત છે, જેમ કે શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, વિવિધતામાં એકતા, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન, ભારતીય જ્ઞાન પ્રણાલી, બહુભાષાવાદ અને ઉચ્ચ શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશનમાં ભારતનો ઉદય. સાથે સૂચવવામાં આવ્ય છે કે દરેક સેલ્ફી પોઈન્ટ કેમ્પસમાં કોઈ વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપિત કરવી અને તેનું લેઆઉટ 3D હોવું જોઈએ.
ટોચની સંસ્થાના એક ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે સરકાર દરેક સામાન્ય સિદ્ધિને અદભૂત તરીકે રજૂ કરી રહી છે અને તેનો શ્રેય વડા પ્રધાનને આપે છે. તેમના જણાવ્યા મુજબ, ‘જે થઈ રહ્યું છે તે કલ્ટ બિલ્ડીંગ માટે પ્રચાર છે. ભાજપ સરકાર જાહેર સંસ્થાઓનો ઉપયોગ પાર્ટીના પ્રચાર માટે કરી રહી છે.’
એક શૈક્ષણિકએ કહ્યું કે વડા પ્રધાનની તસવીરો કોવિડ વેક્સિનના પ્રમાણપત્રો સહિત ઘણા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. રોજગાર મેળાઓમાં સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવે છે, જ્યાં નવા નિયુક્ત સરકારી કર્મચારીઓ અથવા બઢતી પામેલા કર્મચારીઓ એ મોદીના કટ આઉટની પાસે ઉભા રહી ફોટોગ્રાફ લેવાનો રહે છે.