
નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘બાળપણની કવિતા’ પહેલની શરૂઆત કરી છે. જે અંતર્ગત તમામ ભારતીય ભાષાઓની સાથોસાથ અંગ્રેજીમાં નર્સરી જોડકણાં અને કવિતાઓનો એક સંગ્રહ તૈયાર કરવામાં આવશે, જેમાં ભારતીય સંદર્ભને લગતા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ પહેલનો ઉદેશ્ય નાના બાળકો તેમની માતૃભાષામાં સરળતાથી સમજી શકે તેવા અને આનંદદાયક જોડકણાં અને કવિતાઓ દ્વારા તેમની આસપાસની દુનિયાથી પરિચિત થઇને મૂળભૂત સ્તરે વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવો છે.
મંત્રાલયે જણાવ્યું કે MyGov ના સહયોગથી મંત્રાલય ‘બાળપણની કવિતા પહેલઃ નાના બાળકો માટે ભારતીય જોડકણાં અથવા કવિતાઓનું પુનઃસ્થાપન’ માટે યોગદાન આમંત્રિત કરી રહ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનારાઓ ત્રણ શ્રેણીઓમાં હાલની કવિતાઓ, લોકગીતોમાં લોકપ્રિય કવિતાઓ અથવા નવી રચાયેલી આનંદમય કવિતાઓ અને જોડકણાંઓ મોકલી શકે છે. જેમાં પ્રી-પ્રાઇમરી(ત્રણથી છ વર્ષની ઉંમર), ગ્રેડ ૧(છ અને સાત વર્ષની ઉંમર) અને ગ્રેડ ૨(સાત અને આઠની વર્ષની ઉંમર) શ્રેણીઓ છે.
આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી Nitin Gadkari એ કહ્યું, બે વર્ષમા ભારતનું રોડ નેટવર્ક અમેરિકાને ટક્કર આપશે
તેમાં જણાવાયું છે કે તમામ ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં એન્ટ્રીઓ આમંત્રિત કરવામાં આવે છે. તેમાં પ્રાદેશિક કવિતાઓ અથવા જોડકણાં સામેલ થઇ શકે છે જે ભારતીય સંદર્ભમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ સ્પર્ધા ૨૬ માર્ચથી ૨૪ એપ્રિલ સુધી ચાલશે. જેમાં ભાગ લેવા માટે કોઇ એન્ટ્રી ફી નથી. આ સ્પર્ધાની અન્ય વિગતો MyGov વેબસાઇટ પર જોઇ શકાય છે.