કેન્દ્રીય પ્રધાને ભાંગરો વાટ્યોઃ ભારતના ફર્સ્ટ મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવા…

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોશિયલ મીડિયા પર મોટી ગફલત કરી હતી. 26 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન મેડિસિનના ભારતના પ્રથમ મહિલા ડોક્ટર આનંદી જોશીની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીર મૂકવાને બદલે એમનો રોલ કરનારી અભિનેત્રીની તસવીર પોસ્ટ કરી હતી.
આનંદી જોશી એમના સમયમાં અસ્તિત્વમાં રહેલા બોમ્બે પ્રેસિડેન્સીના પહેલા મહિલા હતા જેમણે યુએસમાં વેસ્ટર્ન મેડિસિનમાં બે વર્ષનો કોર્સ કરી ડિગ્રી મેળવી હતી. તેમનો જન્મ 1865માં કલ્યાણમાં થયો હતો અને 1887માં તેમનું અવસાન થયું હતું.
માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ખાતાના પ્રધાન રાણેએ જોશીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા તસવીર પોસ્ટ કરી હતી. જોકે, આનંદી જોશીની તસવીર મૂકવાને બદલે તેમના પર તૈયાર કરવામાં આવેલી મરાઠી બાયોપિકમાં તેમનો રોલ કરનારી અભિનેત્રી ભાગ્યશ્રી મિલિન્દનો ફોટોગ્રાફ મુક્યો હતો.
રાણેની પોસ્ટ વાયરલ થતા આવો લોચો મારવા બદલ કેટલાક નેટિઝનોએ તેમની હાંસી ઉડાવી ટીકા કરી હતી. લગભગ 12 કલાક પછી પ્રધાનશ્રીએ પોસ્ટ ડિલીટ કરી હતી.