“દરેક વાતનો જવાબ આપશે અમિત શાહ..” સંસદની સુરક્ષામાં ચૂક અંગે કેન્દ્રીય પ્રધાને આપ્યું આ નિવેદન
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં જે પ્રકારે સુરક્ષાભંગની ઘટના બની હતી, તેને લઇને વિપક્ષ શાસકપક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટના બન્યાને 2 દિવસ થઇ ગયા છે, અને હજુપણ વિપક્ષ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઘટના પર નિવેદન આપે તેવી માગ સાથે સતત હોબાળો મચાવી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ટિપ્પણી કરી હતી કે “ટુકડે-ટુકડે ગેંગને જડબાતોડ જવાબ મળશે..”
“યોગ્ય સમય આવવા દો, દરેક વાતનો જવાબ મળશે, વિપક્ષના લોકો તો સંસદને ગિરવી રાખી દેવા માગે છે..” તેવું રહેતા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, “ટુકડે ટુકડે ગેંગ ગૃહપ્રધાન પાસે જવાબ માંગી રહી છે. તપાસ પૂર્ણ થવા દો, તેમને યોગ્ય જવાબ મળશે.” આ સિવાય પટનામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “TMC અને કોંગ્રેસના લોકો સંસદ ચાલવા દેવા નથી માંગતા. આ એક ટૂલકીટ છે, તમામ સત્ય બહાર આવશે. સમય આવવા દો, અમિત શાહ દરેક બાબતે જવાબ આપશે. આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની કોઈ જાતિ નથી હોતી.”
આ સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, “કોંગ્રેસીઓ ડૂબી મરો, 11 એપ્રિલ 1974ના રોજ પિસ્તોલ સાથે એક વ્યક્તિ સંસદમાં ઘૂસી આવ્યો હતો, શું ભાજપ/જન સંઘ કે તત્કાલીન વિપક્ષે તેને રાજકીય મુદ્દો બનાવ્યો હતો? લોકસભા અધ્યક્ષનું તો રાજીનામું પણ માંગવામાં આવ્યું ન હતું. પીએમ અને ગૃહપ્રધાનનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નહોતો, કારણ કે સંસદની સુરક્ષા એ માત્ર લોકસભા સચિવાલયની જવાબદારી છે.
આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. તપાસ માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. સંસદમાં પ્રવેશેલા 2 આરોપીઓ સાગર અને ડી. મનોરંજન તથા સંસદની બહાર વિરોધ કરી રહેલા અમોલ અને નીલમને તે જ દિવસે પોલીસે પકડી લીધા હતા. સંસદની સુરક્ષામાં ભંગ કરવાની આ યોજના ઘડનાર લલિત ઝાએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. આ સિવાય આ લોકો ગુરુગ્રામમાં જેની સાથે રહેતા હતા, તે વિશાલ નામના વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે.