ડીપફેકને નાથવા સરકાર કરવા જઈ રહી છે આ બે કામ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

નવી દિલ્હી: આગામી સમયમાં રશ્મિકા મંદાનાની ‘થામા’ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેની હાલ ચર્ચા થઈ રહી છે. જોકે, ગયા વર્ષે રશ્મિકા મંદાના તેના એક ડીપફેક વીડિયોને લઈને ચર્ચામાં આવી હતી. રશ્મિકા મંદાના બાદ બોલિવૂડની અન્ય હસ્તીઓ પણ ડીપફેકનો શિકાર બની હતી. તેથી હવે ડીપફેકને લઈને સરકાર પગલા કડક પગલા ભરી રહી છે. ડીપફેકને નાથવામાં સરકારે શું કાર્યવાહી કરી છે, એ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે.
ડીપફેકનો ઉપયોગ અસ્વીકાર્ય છે
કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે ડીપફેકને લઈને ચેતવણી આપી હતી તથા તેનાથી બચવાનો ઉપાય પણ જણાવ્યો હતો. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “AIના અનેક રચનાત્મક અને રસપ્રદ પાસા છે. પરંતુ ડીપફેકના માધ્યમથી કોઈ વ્યક્તિના અવાજ અને ચહેરાને ખોટી રીતે ઉપયોગ કરવો તદ્દન અસ્વીકાર્ય છે. તમારા ચહેરો, તમારા અવાજનો ઉપયોગ કરીને એવો સંદેશ આપવામાં આવે છે, જેની સાથે તમારો દૂર-દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી. આ તમારો અધિકાર છે કે, તમારો અવાજ અને ચહેરાનો ખોટી રીતે ઉપયોગ થવો જોઈએ નહીં.”
આ પણ વાંચો: Deep fake: ડીપફેક કન્ટેન્ટને રોકવા માટે મોદી સરકાર સંસદમાં બિલ લાવી શકે છે
કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે, “યુરોપના દેશ માત્ર નિયમોને લઈને ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે, જ્યારે ભારત ટેક્નિકલ અને કાનૂની એમ બંને સમાધાનો એકસાથે લાગૂ કરવાની દીશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ડીપફેકના નિયંત્રણ માટે જલ્દી નિયમ લાવવામાં આવશે.”
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડીપફેકને નિયંત્રણમાં લેવા માટેના બે પગલા પૈકીના ટેક્નિકલ સમાધાનની વાત કરીએ તો, IIT જોધપુર દ્વારા ડીપફેક કંટેટને ડિટેક્ટ કરવા માટે એક ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજી ડીપફેક વીડિયો અને ઓડિયોને ઓરિજનલ કંટેટથી અલગ કરવામાં મદદ કરશે. જ્યારે કાનૂની સમાધાનની વાત કરીએ તો સરકાર ડીપફેકને લઈને કડક નિયમ તૈયાર કરી રહી છે. આ નિયમ એ વાતનું ધ્યાન રાખશે કે, વ્યક્તિની ગોપનીયતા અને ઓળખનું ઉલ્લંઘન ન થાય. આ કામમાં AI સેફ્ટી ઇન્સ્ટીટ્યુટ જેવી સંસ્થાઓ પણ જોડાઈ છે.
બોલીવૂડના કલાકારોએ કરી કોર્ટમાં અરજી
ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં ડીપફેક કંટેટનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને બોલીવૂડની હસ્તીઓના ફોટો અને વીડિયોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેને લઈને એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી, હૃત્તિક રોશન સહિતના કલાકારોએ કોર્ટમાં પોતાના વ્યક્તિત્વના અધિકારોના રક્ષણ માટે અરજીઓ દાખલ કરી છે. આમાંના ઘણા કેસોમાં, કોર્ટે સેલિબ્રિટીઓની તરફેણમાં ચુકાદા આપ્યા છે અને ગૂગલ તેમજ યુટ્યુબ જેવી કંપનીઓને પણ આદેશ જારી કર્યા છે.