કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી
પ્રાર્થના:કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે અમદાવાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. (એજન્સી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગાંધીનગર બેઠક પરથી સાંસદ અને કેન્દ્રીય ગૃહ, સહકાર પ્રધાન અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે. શુક્રવારે તેઓએ અમદાવાદમાં મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. મેમનગરમાં અમિત શાહની જનસભા યોજાઇ છે. જેમાં જય શ્રી રામના નારા સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતુ. તેમ જ જણાવ્યું હતુ કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહ પ્રધાન બની શકે છે. ચા વેચનાર ભાજપમાં દેશના વડા પ્રધાન પણ બની શકે છે. વડા પ્રધાને મને લોકસભામાં ઉભા રેહવાની તક આપી છે. વડા પ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ૩૩ ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. દેશનો ધ્વજ વિશ્ર્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઇએ કર્યું છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે. ઈલેક્શન જીતવાનું છે એ સંકલ્પ રાખો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે અમદાવાદમાં રૂ. ૩૦૧૨ કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ કાર્યક્રમના પાંચ- છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આગામી એક-બે દિવસમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા પ્રવર્તી છે.