ભારતમાં કોવિડ-19ના વધી રહેલા કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા

નવી દિલ્હી: કોરોના વાયરસે ફરી એક વખત ભારત સહિત એશિયાના અનેક દેશોમાં દસ્તક દીધી છે. ત્યારે થાણેમાં કોવિડ-19 સંબંધિત એક મૃત્યુ નોંધાતા અને ભારતના અન્ય રાજ્યોમાં વધી રહેલા કેસોને જોતાં નવો પ્રશ્ન ઉભો થયો છે કે કોરોના વાયરસનો નવો JN.1 વેરિઅન્ટ કેટલો ગંભીર છે. અત્યાર સુધીના આંકડાઓ અનુસાર થાણેમાં કોવિડ-19ના કુલ 18 સક્રિય કેસ છે. જ્યારે કેરળમાં 273, કર્ણાટકમાં 35 કે જેમાંથી 32 ફક્ત બેંગલુરુમાં, દિલ્હીમાં 23 નવા કેસ, અને હૈદરાબાદ તથા નોઈડામાં એક-એક કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
ભારતમાં કોવિડ-19 કેસોની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય સંશોધન વિભાગ (DHR) ના સચિવ, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR), DGHS અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) સહિતના અગ્રણી અધિકારીઓ હાજર રહ્યા હતા. સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક કોવિડ-19 કેસો મુખ્યત્વે કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી નોંધાયા છે. જોકે, એક મહત્વપૂર્ણ પાસું એ છે કે મોટાભાગના કેસો હળવા છે અને દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે.
મજબૂત સર્વેલન્સ સિસ્ટમ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને ICMRના પેન ઇન્ડિયા રેસ્પિરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ નેટવર્ક દ્વારા કોવિડ-19 સહિત શ્વસન રોગોના સર્વેલન્સ માટે એક મજબૂત રાષ્ટ્રવ્યાપી સિસ્ટમ કાર્યરત છે, જે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
JN.1 વેરિઅન્ટ અને તેની ગંભીરતા
કોવિડ-19ના કેસોના થઈ રહેલા વધારા પાછળ મુખ્યત્વે JN.1 વેરિઅન્ટ જવાબદાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ વેરિઅન્ટને “વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ” તરીકે વર્ગીકૃત કર્યો છે, પરંતુ તેને “વેરિઅન્ટ ઓફ કન્સર્ન” એટલે કે ચિંતાજનક પ્રકાર તરીકે ગણાવ્યો નથી. આ સૂચવે છે કે તે વધુ ચેપી હોઈ શકે છે, પરંતુ તેનાથી થતી બીમારીની ગંભીરતામાં નોંધપાત્ર વધારો થયો નથી. મોટાભાગના ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું છે કે JN.1 વેરિઅન્ટ ગંભીર નથી અને મોટાભાગના દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળે છે.
આ પણ વાંચો….ઉત્તરાખંડમાં પણ કોરોના બે કેસ પ્રકાશમાં આવ્યા, ચારધામ યાત્રા મુદ્દે ચિંતા વધી