બજેટ 2026-27: શું ચૂંટણીલક્ષી રાજ્યો માટે સરકારે તિજોરી ખોલી?

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાકીય બજેટ અંગે આમ આદમીને નિરાશા મળી છે, જ્યારે વિપક્ષે પણ વખોડી નાખ્યું છે. બજેટ અંગે સત્તાધારી પાર્ટીએ આશાવાદી વલણ વ્યક્ત કર્યું છે, પરંતુ આજે સંસદમાં રજૂ કરેલા 2026-27 અંદાજપત્ર ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી સંબંધિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. બજેટમાં યુવાનો, મહિલાઓ અને વિકાસ સંબંધિત યોજના પર ભાર મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી છે, પરંતુ અમુક રાજ્યના લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે.
એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે બજેટ મારફત કેન્દ્ર સરકારે આ રાજ્યના રહેવાસીઓને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ કેન્દ્રીય બજેટ અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજ્યને કંઈ મળ્યું નહીં હોવાનો દાવો કર્યો છે. મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) પણ માને છે કે ભાજપનો ડોળો બંગાળ પરનો છે, જ્યારે આસામમાં પણ ભાજપ હેટ્ટ્રિક લગાવવા ઈચ્છે છે.
આપણ વાચો: બજેટ 2026: સીસીયુએસ ટેક્નોલોજી માટે ₹ 20,000 કરોડની ફાળવણી અને મંદિર શહેરોના વિકાસ પર ભાર
દરમિયાન સાઉથમાં તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાનું પ્રભુત્વ વધારે મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે, ત્યારે આ પાંચ રાજ્ય માટે સરકારે શું જાહેરાત કરી છે એ પણ જાણીએ. ગુજરાતના સુરતથી દાનકુનિ (ઈસ્ટ) માટે નવા ફ્રેઈટ કોરિડોરની જાહેરાત કરી છે, જેનાથી ગુજરાત-પશ્ચિમ બંગાળના વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન મળશશે.
હાઈ સ્પીડ કોરિડોર માટે પણ સિલિગુડીથી વારાણસીને જોડતા કોરિડોરની જાહેરાત કરી છે, જ્યારે ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરને ડેવલપ કરવાની વાત કરી છે, જેમાં દુર્ગાપુરને મહત્ત્વનું માનવામાં આવે છે. જોકે, આટલી જાહેરાત પછી પણ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ દાવો કર્યો છે કે વેસ્ટર્ન બંગાળને કંઈ આપ્યું નથી. બજેટમાં તમિલનાડુ, ઓડિશા, કેરળ અને આંધ્ર પ્રદેશમાં રેર અર્થ મિનરલ્સ માટે વિશેષ કોરિડોરની જાહેરાત કરી છે, જેનાથી રાજ્યમાં ઉદ્યોગ અને નવા રોકાણમાં વધારાની સંભાવના છે.


