લો..બોલો…આટલી ઉતાવળ! ફ્લાઈટ પકડવાની જલ્દીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પત્નીને ભૂલી ગયા

જૂનાગઢ: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ગુજરાતની તાજેતરની મુલાકાત હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, ચર્ચાનો વિષય તેમના કાર્યક્રમને લઈને નહીં પરંતુ આ ચર્ચા પાછળનું એક અલગ કારણ છે. જૂનાગઢમાં એક કાર્યક્રમ બાદ રાજકોટ એરપોર્ટ જવાની ઉતાવળમાં તેઓ પોતાની પત્ની સાધના સિંહને ભૂલી ગયા હતા. આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં મંત્રીનો 22 ગાડીઓનો કાફલો એક કિલોમીટર આગળ જઈને પાછો ફર્યો હતો.
શનિવારે, શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢના ઇવનગર રોડ પર આવેલા મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ‘લખપતિ દીદી’ યોજના સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ બાદ રાત્રે 8 વાગ્યાની ફ્લાઈટ પકડવા માટે તેઓ ઉતાવળમાં રાજકોટ એરપોર્ટ તરફ નીકળ્યા હતા. પરંતુ, તેઓ ભૂલી ગયા કે તેમની પત્ની સાધના સિંહ સંશોધન કેન્દ્રના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. લગભગ એક કિલોમીટર આગળ નીકળ્યા બાદ તેમને યાદ આવ્યું કે તેમની સાથે તેમના પત્ની હતા. યાદ આવતાની તરત જ કાફલાએ યુ-ટર્ન લઈને સાધના સિંહને લેવા પાછા ફરવું પડ્યું હતુ.
આપણ વાંચો: ‘રાજકીય લડાઈ માટે EDનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે?’ સુપ્રીમ કોર્ટની 2 કેસમાં EDને ફટકાર લગાવી
શિવરાજસિંહ ચૌહાણ અને તેમની પત્ની સાધના સિંહ ગુજરાતમાં ધાર્મિક અને સત્તાવાર પ્રવાસે આવ્યા હતા. શ્રાવણ માસના પવિત્ર અવસરે તેમણે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી અને આશીર્વાદ મેળવ્યા. આ ઉપરાંત, તેઓએ સાસણ ગીર ખાતે દેવળીયા પાર્કની સફારીની પણ મુલાકાત લીધી હતી. આ ધાર્મિક પ્રવાસ બાદ તેઓ જૂનાગઢમાં ખેડૂતો અને મહિલાઓ સાથે ‘લખપતિ દીદી’ યોજના અંગે સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા, જે ખેડૂતોની આવક વધારવા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે.
શિવરાજસિંહની ઉતાવળનું એક કારણ રાજકોટથી જૂનાગઢનો ખરાબ રસ્તો હતો. એરપોર્ટ પહોંચવાનું મોડું થતું હોવાથી તેમણે પોતાનું ભાષણ પણ ટૂંકાવી દીધું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન માઈક પર જણાવ્યું હતું કે, “રાજકોટનો રસ્તો ખરાબ છે, આગલી વખતે હું આરામથી આવીશ.” આ બોલીને તેઓ રાજકોટ માટે રવાના થયા પણ એક કિલોમીટર પછી યાદ આવતા 22 ગાડીના કાફલાને પાછુ ફરવું પડ્યું હતું. જોકો લોકો કિસ્સાને રમૂજી ભૂલ તરીકે જોઈ રહ્યા છે. જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.