ઉમા ભારતીએ મોહન કેબિનેટના નિર્ણયની પ્રશંસા કરી કહ્યું કે…
ભોપાલ: મધ્યપ્રદેશના મના સીએમ મોહન યાદવે સત્તાની સુકાન સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાં તેમના એક નિર્ણયની તો પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીએ ભરપેટ વખાણ પણ કર્યા હતા. ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે નોનવેજ પર અંકુશિત પ્રતિબંધ લાદીને નવી સરકારે તેની માનવીય સંવેદનશીલતા દર્શાવી છે, સાથે સાથે તેમણે નવા સીએમને અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. નોંધનીય છે કે ઉમા ભારતીએ પહેલા રાજ્યમાં દારૂની દુકાનો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.
13 ડિસેમ્બરના રોજ શપથ લીધા બાદ મુખ્ય પ્રધાન મોહન યાદવે પોતાના કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. જેમાં તેમણે કેટલાક નિર્ણયો વિશે વાત કરતાં કહ્યું હતું કે ખુલ્લામાં માંસ, માછલી અથવા ઈંડાની દુકાનો ચલાવવા અંગે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું મધ્યપ્રદેશમાં તેનું કડક રીતે પાલન કરવામાં આવશે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય. આ સાથે તેમણે કહ્યું હતું કે જે લોકો નિયમોનું પાલન કરીને માંસ, માછલી અથવા ઇંડાનો વેપાર કરે છે તેમને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
આ ઉપરાતં તેમણે ધાર્મિક સ્થળો સહિત અન્ય સ્થળોએ લગાવવામાં આવેલા ગેરકાયદે લાઉડસ્પીકર પર પ્રતિબંધની પણ જાહેરાત કરતા કહ્યું હતું કે નિયત સમય મર્યાદામાંજ ચલાવી શકાશે. એટલે કે મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એ બાબત સ્પષ્ટ કરી હતી કે આદેશ બાદ અવાજ પ્રદુષણ ફેલાવતા યંત્રિત લાઉડ સ્પીકર અને ડીજેના ઉપયોગ પર જ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. જેમાં નિયમિત અને નિયંત્રિત લાઉડ સ્પીકરના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.