“માનવતા માટે કલંક ” અમેરિકા દ્વારા હાથકડી સાથે ભારતીયોને દેશનિકાલ કરવા પર ભડક્યા ભાજપના નેતા

નવી દિલ્હી: અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવામાં આવેલા ભારતીયોના મુદ્દે દેશમાં હોબાળો મચેલો છે. અમેરિકાથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને સાંકળો બાંધીને ભારત મોકલવામાં આવ્યા હતા. તે અંગે વિપક્ષી પાર્ટીઓ સતત પ્રશ્નો ઉઠાવી રહી હતી, પરંતુ હવે ભાજપના જ ફાયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
રેડ ઇન્ડિયનો સાથે પણ આવો ક્રૂર વ્યવહાર
ભાજપના નેતા ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દે પોસ્ટ કરીને તેને અમાનવીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જે રીતે ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી સાંકળ અને બેડીઓ પહેરાવીને પાછા મોકલવામાં આવ્યા તે અત્યંત શરમજનક અને માનવતા માટે કલંક છે. તેમણે અમેરિકા પર રેડ ઇન્ડિયનો અને આફ્રિકન મૂળના લોકોના કિસ્સામાં પણ આવો ક્રૂર અને હિંસક વ્યવહાર કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
આવી ક્રૂરતા એક મોટું પાપ
તેમણે કહ્યું કે, “જ્યારે તેમને વિમાન દ્વારા મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમને હાથકડી અને બેડીઓ કેમ બાંધવામાં આવી? આ કૃત્ય અમેરિકન શાસનની ક્રૂરતા અને અમાનવીયતાને પ્રતિબિંબિત કરે છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવો એ ગુનો છે; દરેક દેશ પાસે તેની સજા માટે પોતાનો કાયદો છે. પણ આવી ક્રૂરતા આ ભૂમંડળ પર એક મોટું પાપ છે.
Also read: US-INDIA: અમેરિકામાં રહેતા ‘ગેરકાયદે ભારતીયો’ને વતન પાછા લાવવા સરકાર તૈયાર
અમેરિકાથી આજે આવશે એક વિમાન
જો કે હજુ પણ અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર ચાલુ છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીયોનો બીજો જથ્થો આજે એટલે કે ભારત પહોંચશે. વિમાન રાત્રે 10 વાગ્યાની આસપાસ અમૃતસરમાં લેન્ડ થશે. અમેરિકાએ આ વખતે 119 જેટલા ભારતીયોને પરત મોકલ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજું વિમાન પણ 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી આવી શકે છે, જેમાં 157 લોકો હશે.