UK Indian Embassy attack: NIAની ભૂલ થઈ ગઈ! 15 લુકઆઉટ નોટિસમાંથી 3 પાછી ખેંચી
ગયા વર્ષે 19 માર્ચના રોજ યુનાઈટેડ કિંગડમ(UK)ના લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને હિંસા(Indian Embassy Violence)માં કથિત સંડોવણી બદલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 15 શંકાસ્પદો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ સર્ક્યુલર(LOCs) જાહેર કરી હતી. NIAએ શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. તાપસ બાદ હવે NIAએ સ્વીકાર્યું કે પંજાબના ત્રણ લોકોની ખોટી રીતે ઓળખ કરવામાં આવી હતી, તેમના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલી LOCs પછી ખેંચવામાં આવી છે.
ગૃહ મંત્રાલય (MHA) એ 15 લોકો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર્સ (LOCs) જાહેર કર્યું હતું, હિંસા સમયના પાંચ વીડિયો પરથી શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી હતી. આ ઘટના તપાસ કરવા અને પાકિસ્તાનની ISI સાથે આતંકવાદી કનેક્શનની તપાસ કરવા ગયા વર્ષે મે મહિનામાં યુનાઇટેડ કિંગડમ ગયેલી NIAની ટીમે આ વિડીયો મેળવ્યા હતા. વીડિયોમાં લોકો લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થતા અને ત્યારબાદ હિંસા કરતા જોવા મળ્યા હતા.
ભારત પરત ફર્યા પછી, NIAની ટીમેં 45 શંકાસ્પદ લોકોના વીડિયો અને ફોટોગ્રાફ્સ જાહેર ડોમેનમાં શેર કર્યા, સાથે તેમને ઓળખવામાં મદદ કરવા અપીલ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ આ અપીલના જવાબમાં લગભગ 850 કોલ્સ પ્રાપ્ત થયા હતા, શંકાસ્પદોની ઓળખ માટે RAW અને ઇમિગ્રેશન વિભાગે મદદ કરી હતી. ચહેરા ઓળખવાની ટેક્નોલોજીની મદદથી 15 શખ્સોની ઓળખવામાં મદદ કરી હતી, અને પછી તેમની વિરુદ્ધ LOCs જાહેર કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 શંકાસ્પદોમાંથી ત્રણની તાજેતરમાં અટકાયત કરવામાં આવી હતી અને NIAને સોંપવામાં આવ્યા હતા. પરંતુ સંપૂર્ણ તપાસ પછી, NIAને લંડન એમ્બેસી હિંસા સાથે ધરપકડ કરાયેલા શંકાસ્પદોનું કોઈ કનેક્શન મળ્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ ટીમે, કાયદાકીય ટીમ અને NIAના તત્કાલીન ડાયરેક્ટર-જનરલ સાથે ચર્ચા કર્યા પછી, તેમના LOCs પછી ખેંચવાનો નિર્ણય લીધો છે.
ઘટનાની જાણકારી મુજબ 19 માર્ચ, 2023 ના રોજ, લંડનમાં ભારતીય હાઈ કમિશનના બિલ્ડીંગ પર લગભગ 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, ટોળા પર ભારતીય રાષ્ટ્રધ્વજનો અનાદર, જાહેર સંપત્તિને નુકશાન અને હાઈ કમિશનના અધિકારીઓને ઈજા પહોંચાડવાનો આરોપ છે.
હાઈ કમિશનના અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં યુકેના દલ ખાલસાના ગુરચરણ સિંહ, ખાલિસ્તાન લિબરેશન ફોર્સના અવતાર સિંહ ખાંડા અને જસવીર સિંહનું નામ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
એક NIA અધિકારીએ જણાવ્યું હતું કે “જૂનમાં બર્મિંગહામમાં ખાંડાનું મોત થયું હતું અને NIA તેની કેસ ફાઇલ માટે તેમનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત વિભાગના સંપર્કમાં છે.”
યુકેની ઘટનાની તપાસ દરમિયાન, NIAએ વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેના નવ સહયોગીઓની આસામની ડિબ્રુગઢ જેલમાં પૂછપરછ કરી હતી, કારણ કે તેઓ ખંડાના સંપર્કમાં હોવાની શંકા હતી.