માતાનું ઋણ ચૂકવવા પોતાના શરીરની ચામડીથી બનાવેલા પગરખાં અર્પણ કર્યા
આજના યુગમાં સંતાનો પોતાના મા-બાપને સાચવવા કે સેવા કરવાને બદલે વૃદ્ધાશ્રમોમાં ધકેલી દેતા હોય છે અને સંતાન તરીકેની ફરજમાંથી હાથ ખંખેરી લેતા હોય છે. માતા પિતાએ પોતાના સંતાનો માટે જે ભોગ આપ્યો હોય છે તેની ભરપાઇ આજદિન સુધી કોઈ જ સંતાન કરી શક્યુ નથી. માતપિતાના ઋણ ચૂકવવાની વાત આવે ત્યારે લોકો કહેતા હોય છે કે તેમના માટે તો કદાચ પોતાની ચામડીના જોડા બનાવીને પહેરાવે તો પણ ઓછું છે. પરંતુ આ વાતને વાસ્તવિક્તામાં બદલતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દીકરાએ પોતાના શરીરની ચામડી માંથી બનાવેલા જોડા પોતાની માતાને અર્પણ કર્યા છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક શખ્સ પોતાની માતાને તેની ચામડીમાંથી બનાવેલા પગરખાં પહેરાવે છે. શહેરના ઢાંચા ભવન વિસ્તારમાં રહેતો રૌનક ગુર્જર નામચીન હિસ્ટ્રીશીટર રહી ચૂક્યો છે. એક કેસમાં આરોપી એવા રૌનકને પણ પોલીસ દ્વારા પગમાં એક વખત ગોળી વાગી હતી. પરંતુ હવે રૌનક નિયમિત રીતે રામાયણનો પાઠ કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરે છે.
રૌનકને તેની માતાની સેવા કરવાની પ્રેરણા રામાયણમાંથી મળી હતી. રૌનકે કહ્યું, મેં રામાયણ વાંચ્યું છે અને ભગવાન રામના પાત્રથી ખૂબ જ પ્રભાવિત છું અને ભગવાન રામે પોતે કહ્યું છે કે તેઓ તેમની માતા માટે ચામડાની પાદુકા બનાવે તો પણ ઓછું છે. બસ આ જ વિચાર મારા મનમાં આવ્યો અને મેં મારા પોતાના ચામડામાંથી મારી માતા માટે ચરણ પાદુકા બનાવી અને તેમને અર્પણ કરી.
પરિવારમાં કોઈપણને ખબર ન પડે તે રીતે રોનકે ગુપચુપ હોસ્પિટલમાં સર્જરી કરાવીને સાથળમાંથી ચામડી કાઢવી હતી અને મોચીને પગરખાં ઘડવા માટે આપી હતી. પોતાના ઘરે એક ધાર્મિક આયોજનમાં પોતાની માતાને આ ચરણ પાદુકા ભેટ આપી હતી.
લગભગ 5 વર્ષ પહેલા રૌનક ગુર્જર નામના ગુનેગારે ઉજ્જૈન શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. વાસ્તવમાં ગુર્જર ગેંગે પરસ્પર વિવાદમાં મોન્ટુ ગુર્જર નામના વ્યક્તિને ગોળી મારી હતી. ત્યારબાદ નાસી ગયેલા બદમાશોએ શહેરમાં આવેલી કૃપા રેસ્ટોરન્ટના માલિક પાસેથી 50,000 રૂપિયાની ખંડણીની માંગણી કરી અને જ્યારે તેણે પૈસા ન આપ્યા તો તેને ગોળીબાર કર્યો હતો. એટલું જ નહીં, રેલવે સ્ટેશન પાસે આવેલી સપના સ્વીટ્સના સંચાલક પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.