UIDAI એ ૨.૫ કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર કાર્ડ કર્યા નિષ્ક્રિય: જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ઓળખ દસ્તાવેજનો દુરુપયોગ અટકાવવા માટે ૨.૫ કરોડથી વધુ મૃત વ્યક્તિના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. આ જાણકારી બુધવારે સંસદમાં આપવામાં આવી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય પ્રધાન જિતિન પ્રસાદે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે આધાર વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ પ્રણાલી છે. જેમાં લગભગ ૧૩૪ કરોડ સક્રિય આધારધારકો છે.
પ્રસાદે જણાવ્યું કે આધાર ડેટાબેઝની ચોકસાઇ અને અખંડિતતા જાળવવા માટે રાષ્ટ્રવ્યાપી સફાઇ અભિયાનના ભાગરૂપે યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(યુઆઇડીએઆઇ)એ અત્યાર સુધીમાં ૨.૫ કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબરો નિષ્ક્રિય કર્યા છે.
આપણ વાચો: 2 કરોડથી વધુ ‘આધાર’ નંબર નિષ્ક્રિય: જાણો UIDAIએ શા માટે લીધો આ નિર્ણય અને શું છે નવી સુવિધા?
કોઇ વ્યક્તિના મૃત્યુ પછી સંભવિત ઓળખ છેતરપિંડી અથવા કલ્યાણકારી લાભો મેળવવા માટે આવા આધાર નંબરનો અનધિકૃત ઉપયોગ અટકાવવા માટે તેનો આધાર નંબર નિષ્ક્રિય કરવો જરૂરી છે.
રાજ્ય પ્રધાને જણાવ્યું કે ઓળખ છેતરપિંડીના જોખમને ઘટાડવા અને દેશમાં લાભોની લીક-પ્રૂફ ડિલીવરી સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં બાયોમેટ્રિક લોક અને અનલોક સુવિધાનો સમાવેશ થાય છે, જે આધાર નંબર ધારકને તેના બાયોમેટ્રિક્સને લોક કરવા સક્ષમ બનાવે છે. જેથી કોઇપણ અનધિકૃત પ્રમાણીકરણ પ્રયાસોને અટકાવી શકાય.
પ્રધાને જણાવ્યું કે વ્યવહાર દરમિયાન લાભાર્થીની શારીરિક હાજરી સુનિશ્ચિત કરવા અને છેતરપિંડી અટકાવવા માટે લાઇવનેસ ડિટેક્શન ફીચર સાથે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે ઓફલાઇન ઓળખ ચકાસણી માટે આધાર સિક્યોર ક્યૂઆર કોડ, આધાર પેપરલેસ ઓફલાઇન ઇ-કેવાયસી, ઇ-આધાર અને આધાર વેરિફાઇબલ ક્રેડેન્શિયલને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે.



