સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા કહેવા બદલ મુશ્કેલીમાં ફસાયા ઉધયનિધિ સ્ટાલિન
સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

નવી દિલ્હી: સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મંત્રી અને રાજ્યના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને નોટિસ પાઠવી છે. તેમના સિવાય સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર, એ રાજા, સીબીઆઈ અને અન્ય પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે ઉધયનિધિના નિવેદનને નફરતપૂર્ણ ભાષણ ગણવાનો ઇનકાર કર્યો છે.
ચેન્નાઈના એક વકીલે તામિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ થઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી, જેના જવાબમાં સ્ટાલિનને નોટિસ પાઠવવામાં આવી છે. તાજેતરમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) યુવા પાંખના નેતા અને તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને ફરી એક વાર આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ન તો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ન તો હાલમાં નવા સંસદમાં કાર્યવાહી શરૂ કરવા વખતે આમંત્રણ આપવામાં આવ્યું કારણ કે તેઓ વિધવા અને આદિવાસી સમુદાયના છે. આને આપણે સનાતન ધર્મ કહીએ છીએ,” એમ તેમણે કહ્યું હતું.
ઉધયનિધિ સ્ટાલિન મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર છે. તેઓ તમિલનાડુના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી પણ છે. તેમની પાર્ટીનું નામ ડીએમકે છે. ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલીક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, બલ્કે તેને ખતમ કરવી જરૂરી છે. જેમ આપણે માત્ર ડેન્ગ્યુ અને મેલેરિયાનો વિરોધ કરી શકતા નથી, તેને નાબૂદ કરવો પણ જરૂરી છે. એ જ રીતે સનાતન ધર્મનો વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેનો નાશ પણ કરવો જોઈએ. સનાતન ધર્મ વિશે ઝેર ઓકનાર ઉધયનિધિ સ્ટાલિનને પોતાના નિવેદન બદલ કોઇ પસ્તાવો નથી. તેઓ સનાતન વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જો સનાતન ધર્મ નાબૂદ થશે તો દેશમાંથી અસ્પૃશ્યતા પણ ખતમ થઈ જશે.