ફુલે ફિલ્મ મામલે ઉદ્ધવ ઠાકરેના ફડણવીસ પર પ્રહારઃ આ ફિલ્મને કેમ સપોર્ટ નથી કરતા

મુંબઈઃ સામાજિક કાર્યકર અને મહિલા શિક્ષણના પ્રણેતા જ્યોતિબા ફુલે અને સાવિત્રી ફુલેના જીવન પર આધારિત અનંત મહાદેવનની ફિલ્મ ફુલ પર સેન્સર બોર્ડની કાતર ચાલવાની છે ત્યારે આ મામલે શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ટીકાસ્ત્રો છોડવામાં આવ્યા છે. ફડણવીસ પોતે બ્રાહ્મણ છે અને આ ફિલ્મનો બ્રાહ્મણ સંગઠન વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેના મુખપત્રએ ફડણવીસને આ મામલે જવાબદાર ઠેરવ્યા છે. પ્રતીક ગાંધી અને પત્રલેખા અભિનિત ફિલ્મની રિલિઝ પાછળ ઠેલલવામાં આવી છે.
સામનામાં લખ્યું છે કે ફડણવીસ પોતે બ્રાહ્મણ છે અને તેઓ ઈચ્છે તો ધમકી આપનારા બ્રાહ્મણ સંગઠનોને શાંત કરી શકે તેમ છે અને મુખ્ય પ્રધાન તરીકે આ તેમનું કામ છે. ફડણવીસ સહિતાન લોકોએ તાશ્કંદ ફાઈલ્સ, કાશ્મીર ફાઈલ્સ, છાવા જેવી ફિલ્મો જોવાની અપીલ કરી છે. છાવા બાદ તો ઔરંગઝેબની કબરનો મુદ્દો આટલો ગરમાયો. આ વિવાદ શાંત કરવાનો શ્રેય ફડણવીસ લઈ રહ્યા છે, તો ફુલે ફિલ્મમાં કેમ કંઈ બોલતા નથી, તેવો સવાલ સામનામાં થયો છે.
તેમણે જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેના જીવન વિશે લોકોને જાણવાનો હક છે અને ભાજપે તો વિધાનસભ્યો માટે ખાસ શૉનું આયોજન કરવું જોઈએ, તેમ પણ કહ્યું છે. મહારાષ્ટ્રમાં અનેક સમાજસુધારક થઈ ગયા પણ સુધારક દંપતી લગભગ એક જ છે, તેમ પણ મુખપત્રમાં જણાવ્યું છે. સ્ત્રી શિક્ષણ માટે સાવિત્રીબાઈએ ખૂબ જ અવરોધ વેઠ્યા છે અને ઘણો ત્રાસ સહન કર્યો છે, તે હવે જો ફિલ્મમાં દર્શાવવામાં આવે તો શા માટે વિરોધ કરી રહ્યા છો તેમ પણ મુખપત્રમાં લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ફુલે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી, સેન્સર બોર્ડે ફિલ્મમાં આ કટ્સ સૂચવ્યા
છાવા ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજ સાથે છળ કરનારા મુસ્લિમ હતા એટલે ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને જોવાની અપીલ કરી, પણ સાવિત્રીબાઈ સાથે છળ કરનારા આપણા સનાતની હિન્દુ જ હતા એટલે તેમનો હાથ પકડવાનો, આ ન્યાય નથી. તેમણે ફડણવીસને આ વિવાદ અટકાવવા અને ફિલ્મને રિલિઝ થવા દેવા કહ્યું હતું. જો આમ નહીં થાય તો ફુલે વર્સિસ ફડણવીસ તેવી છાપ ઊભી થશે, તેમ સામનાએ લખ્યું છે.