નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીઓના દુરુપયોગના વિરોધમાં વિરોધ પક્ષોનું I.N.D.I.A. ગઠબંધન 31 માર્ચે દિલ્હીમાં એક મેગા રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટી મહારેલીની તૈયારીમાં વ્યસ્ત છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જનતાનું સમર્થન મેળવવા માટે ઘરે-ઘરે જઈ રહ્યા છે. શિવસેના (યુબીટી)ના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ આ મેગા રેલીમાં સહભાગી થવાના છે.
આમ આદમી પાર્ટીને રવિવારે 31 માર્ચે રામલીલા મેદાનમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હી પોલીસે પાર્ટીને મંજૂરી આપી દીધી છે. આ રેલીનું સૂત્ર તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો હશે. આમાં વિપક્ષી ગઠબંધનના તમામ પક્ષોને સામેલ કરવામાં આવશે. આમાં કોઈ એક પાર્ટીનું નહીં ઈન્ડિયા ગઠબંધનનું બેનર લગાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ રેલીમાં સહભાગી થશે. અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન, હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન, શરદ પવાર, ટીએમસીના ડેરેક ઓ બ્રાયન પણ રેલીમાં આવશે.
કોંગ્રેસનું કહેવું છે કે આ મહારેલી કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ઈડી દ્વારા ધરપકડ અને પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના વિરોધમાં કરવામાં આવી રહી છે.
તૃણમૂલ કૉંગ્રેસના સૂત્રોએ કહ્યું છે કે પાર્ટી બે નેતાઓને રેલીમાં પ્રતિનિધિ તરીકે મોકલશે, પરંતુ નેતાઓના નામ જાહેર કર્યા નથી.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીમાં નિષ્ફળતા પછી, તૃણમૂલે વિપક્ષી ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ આગ્રહ રાખ્યો છે કે તે શાસક ભાજપની વિચારધારા વિરુદ્ધ રચાયેલા ઈન્ડિયાનો એક ભાગ છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 21 માર્ચે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ગુરુવારે તેની કસ્ટડી વધુ ચાર દિવસ માટે લંબાવવામાં આવી હતી.
Taboola Feed