બાંકે બિહારીના મંદિરમાં ભીડ વચ્ચે શ્વાસ રૂંધાવવાને કારણે બે મહિલાના મૃત્યુ…
મથુરાઃ મથુરા વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં રવિવારે ભક્તોની ભીડ વધી જતાં શ્વાસ રૂંધાવવાને કારણે બે મહિલાઓના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય ભક્તો શ્વાસ રૂંધાવવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાને પગલે ભક્તોમાં ગભરાટની લાગણી પણ જોવા મળી રહી છે.
રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વૃંદાવન પહોંચ્યા હતા જેને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. એક તરફ જ્યાં જિલ્લા પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રણ કરવાને લઈને જાત જાતના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજું આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરમિયાન બાંકે બિહારી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર અલગ-અલગ જગ્યાએ ભીડમાં અટવાઈ જવાને કારણે મહિલાઓના મૃત્યુ થયા હોવાનો અહેવાલ પણ મળી રહ્યા છે. આ અહેવાલોને પગલે ભક્તોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
ઘટના વિશે માહિતી આપતા એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર હરિ નિકુંજ ચારરસ્તા અને વિદ્યાપીઠ ચારરસ્તા પાસે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સીતાપુરની રહેવાસી બીના ગુપ્તાની પત્ની ઓમપ્રકાશ ગુપ્તાની તબિયત અચાનક બગડી અને તેણીને ગૂંગળામણ થવા લાગી ત્યારે તેની સાથે હાજર પરિવારના સભ્યો અને પોલીસકર્મીઓ તેને જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
જ્યારે બીજી ઘટના વિદ્યાપીઠ સ્ક્વેરથી બાંકે બિહારી મંદિર તરફ જતા રોડ પર જયપુરિયા ગેસ્ટ હાઉસ નજીક બપોરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. અધરતલા જબલપુર પોલીસ સ્ટેશનના રહેવાસી ભોલાનાથ મિશ્રાની પત્ની મંજુ મિશ્રાની તબિયત બગડી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને રામકૃષ્ણ મિશન સેવા આશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દેશમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને લઈને મંદિરના મેનેજમેન્ટ દ્વારા શનિવારે જ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી અને મંદિર મેનેજમેન્ટ દ્વારા ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં લઈને વૃંદાવન આવતા ભક્તોને કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી હતી. 23મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને, 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે મંદિરમાં ન આવવા અપીલ કરવામાં આવી છે.