
વિજયનગરઃ આંધ્ર પ્રદેશમાં ઓડિશાના બાલાસોર જેવો ટ્રેન અકસ્માત સર્જાયો છે, જ્યાં બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. બે ટ્રેન વચ્ચેની ટક્કરને કારણે પેસેન્જર ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું. આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર છે. ઘાયલ થયેલા લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જ્યારે ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓ તાકીદે દોડી ગયા છે.

આ સમાચાર અંગે અધિકારીએ કહ્યું હતું કે વિશાખાપટ્નમ-પલાસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટનમ-રગડા પેસેન્જર ટ્રેનની વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતને કારણે ટ્રેનની ત્રણ કોચનું ડિરેલમેન્ટ થયું હતું.

મળતી માહિતી પ્રમાણે કોથાવલાસા (એમ) અલમાંદા કંટાકાપલલીમાં વિશાખાથી રાયગઢા જતી ટ્રેનનું પણ ડિરેલમેન્ટ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ કોચને નુકસાન પહોંચ્યું છે. હાલના તબક્કે ઈજાગ્રસ્ત લોકોને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત પછી સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફની ટીમને બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી હતી. આ અકસ્માત પછી રાજ્યના મુખ્ય પ્રધાન વાઈએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.