નવી દિલ્હીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાર મઠોના શંકરાચાર્ય હાજર નહીં રહેવાના અહેવાલો વચ્ચે, વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે જણાવ્યું હતું કે શ્રી શૃંગેરી શારદા પીઠ અને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું સ્વાગત કર્યું છે. જો કે, તેમાંથી કોઈ પણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
ગોવર્ધન પીઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું છે કે તેઓ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી ખુશ છે તેઓ તેમની અનુકૂળતા મુજબ બાદમાં રામ મંદિરની મુલાકાત લેશે. જોકે, જ્યોતિર પીઠના શંકરાચાર્ય આ સંદર્ભે કેટલીક ટિપ્પણીઓ કરી છે. જ્યોતિર પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કથિત રીતે કહ્યું હતું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોગ્ય નથી કારણ કે તેનું નિર્માણ હજી પૂર્ણ થયું નથી.
VHP નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ વિપક્ષી દળોએ ચારે શંકરાચાર્યના અભિષેક સમારોહમાં હાજરી ન આપવાના સમાચારને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચાર શંકરાચાર્ય ચાર મુખ્ય મઠોના વડા છે. આ પીઠો કર્ણાટકની શ્રી શૃંગેરી શારદા પીઠ, ગુજરાતની દ્વારકા શારદા પીઠ, ઉત્તરાખંડની જ્યોતિર પીઠ અને ઓડિશાની ગોવર્ધન પીઠ છે. આ મઠોની સ્થાપના આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી.
દરમિયાનમાં રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક પહેલા ઈન્ડિગોએ મુંબઈ અને અયોધ્યા વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી એરલાઇન્સમાંની એક, ઈન્ડિગો 15 જાન્યુઆરીથી મુંબઈ અને અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી રહી છે. ફ્લાઇટ આજે બપોરે 12:30 વાગ્યે મુંબઈથી ઉપડશે અને બપોરે 2:45 વાગ્યે રામ નગરી અયોધ્યા પહોંચશે. અને અહીંથી રિટર્ન ફ્લાઈટ બપોરે 3:15 વાગ્યે છે જે સાંજે 5:40 વાગ્યે મુંબઈ પહોંચશે.
નોંધનીય છે કે ઇન્ડિગોએ 6 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યા માટે હવાઈ સેવા શરૂ કરી હતી. ઈન્ડિગોની અમદાવાદ-અયોધ્યા રૂટની ફ્લાઈટ પણ શરૂ થઈ ગઈ છે. અને આજથી, સોમવાર, 15 જાન્યુઆરીથી મુંબઈથી અયોધ્યા રૂટની ફ્લાઈટ્સ શરૂ થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને