અમેરિકાથી આવેલા બે યુવકોની પોલીસે કરી ધરપકડ; કારણ જાણીને ચોંકી ઉઠશો….

નવી દિલ્હી: તાજેતરમાં, ગેરકાયદેસર રીતે વિદેશ ગયેલા ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરીને પાછા મોકલવામાં આવ્યા છે. દરમિયાન, સમાચાર મળી રહ્યા છે કે પોલીસે બે પંજાબી યુવાનોને કસ્ટડીમાં લીધા છે જેમને ગયા દિવસે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ બંને યુવાનો પટિયાલાના રાજપુરાના રહેવાસી હોવાનું કહેવાય છે.
બે ભાઈઓની ધરપકડ
મળી રહેલી વિગતો અનુસાર 2023 માં રાજપુરામાં ડબલ મર્ડરની ઘટના બની હતી અને પોલીસે આ કેસમાં બે પિતરાઈ ભાઈઓ પ્રદીપ અને સંદીપના નામ આપ્યા હતા. કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા અને બંને ભાઈઓ અમેરિકા ભાગી ગયા હતા. આ બંને ભાઈઓ ને અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા લોકોમાં ભારત પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજપુરા પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપણ વાંચો: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોનું ભવિષ્ય શું? ફરી વિદશ જઇ શકશે?
અમેરિકાએ 119 ભારતીયોને પરત મોકલ્યા
અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને બીજું વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. આ વિમાનમાં 119 ભારતીયો હતા. જેમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8 ગુજરાતી હતા. 8 ગુજરાતીઓને રવિવાર, 16 ફેબ્રુઆરી સવારે અમૃતસરથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામ પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ 8 લોકોને કાળા પડદાવાળી પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, આઈબી, એસઓજી સહિતની ટીમ પહોંચી હતી અને નિવેદન નોંધ્યા હતા.