ઝારખંડના બોકારોમાં અથડામણમાં બે માઓવાદી ઠાર; એક CRPF જવાન શહીદ

બોકારો: ભારત સરકારે માઓવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે. આજે બુધવારે સવારે ઝારખંડના બોકારો જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને માઓવાદીઓ વચ્ચે આથમણ થઇ હતી. બંને પક્ષે થયેલા ભારે ગોળીબારમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે, જ્યારે CRPFનો એક જવાન પણ શહીદ થયો છે.
મળતી માહિતી મુજબ ગોમિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં સવારે 5:30 વાગ્યાની આસપાસ માઓવાદીઓ અને સીઆરપીએફ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. બોકારો જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું, “સિક્યોરિટી ફોર્સિઝે એન્કાઉન્ટર દરમિયાન બે માઓવાદીઓને ઠાર માર્યા છે. ગોળીબારમાં સીપીઆરએફની કોબ્રા બટાલિયનનો એક જવાન પણ શહીદ થયો છે.”
વધુ માઓવાદીઓ હોઈ શકે છે:
પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, વિસ્તારમાં નક્સલવાદીઓની હિલચાલના ઇનપુટ્સ મળ્યા હતાં, ત્યાર બાદ સિક્યોરિટી ફોર્સિઝે કાર્યવાહી શરૂ કરી હતી. પેટ્રોલિંગ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે છુપાયેલા નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેનો સુરક્ષા દળોએ યોગ્ય જવાબ આપ્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું, માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. એન્કાઉન્ટર બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, આ વિસ્તારમાં વધુ માઓવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. ઓપરેશન પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે.
નોંધનીય છે કે આ અથડામણ લુગુ ટેકરીઓમાં થઈ હતી, આ વિસ્તારમાં એપ્રિલ મહિનામાં પણ નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું જેમાં એક કરોડનું ઈનામ ધરાવતો એક નક્સલવાદી નેતા સહિત આઠ માર્યા ગયા હતા.
અમિત શાહની ચેતવણી:
ગત મહીને તેલંગાણાના નિઝામાબાદમાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માઓવાદીઓને કડક ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સશસ્ત્ર ડાબેરી ઉગ્રવાદીઓ સાથે કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. આ સાથે તેમણે આગામી વર્ષ સુધીમાં દેશમાંથી માઓવાદને નાબૂદ કરવાના સરકારના દ્રઢ સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું, માઓવાદીઓએ શસ્ત્રો છોડી દેવા જોઈએ, પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ અને મુખ્ય પ્રવાહમાં જોડાવું જોઈએ.
આ પણ વાંચો…દેશની પાંચ હાઈકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટીસ, મધ્યપ્રદેશ ઝારખંડ સહિતના રાજ્યોનો સમાવેશ