કોડીનારમાં બે દીપડા મૃત હાલતમાં મળતા ચકચાર

ઊનાઃ કોડીનારના છાછર ગામની વાડીમાંથી બે નર દીપડાના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્ચારમાં ચકચાર મચી ગઈ છે અને વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. અહીંથી મળી આવેલા બે મૃતદેહને પોસ્ટમોર્ટ્મ માટે મોકલી દેવામાં આવ્યા છે અને તેમના મોતના કારણની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડી નું ઉત્પાદન વધારે હોવાનાં કારણે જંગલી દીપડાની સંખ્યા વધારે હોવાથી આ પંથકમાં માનવ ફાડી ખાવાની તેમજ હુમલા ની ઘટના અવાર નવાર બનતી જોવાં મળે છે પરંતુ અચાનક બે વન્ય નર દીપડાનાં મૃતદેહ છાછર ગામની સીમ વિસ્તારમાં એક વાડી માં પડ્યા હોવાની જાણ કોડીનાર વન વિભાગને કરવામાં આવી હતી. આ જાણકારી મળતા જ આર એફ ઓ સહિતની ટીમનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી અને બનાવની જગ્યાની આસપાસ વન્ય પ્રાણી નાં નિશાન તેમજ ઈન ફાઈટ વીજતાર સહિત ની જીણવટ ભરી તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ મૃતદેહ જ્યાંથી મળી આવ્યા છે તેની પાસે આવેલા પીપળાના જાડ પાસે વીજપોલના વાયરો છે. ઝાડ પરથી કુદવા જતા તે બન્ને વીજપોલના વાયરના સંપર્કમાં આવ્યા હોવાની અટકળો ગ્રામજનો લગાડી રહ્યા છે. માનવવસ્તી અને વન્યજીવન વચ્ચે નીકટતા વધતા માનવો અને જાનવરો બન્નેના જીવને જોખમ સર્જાય છે. જોકે મોતનું સાચું કારણ રિપોર્ટ્ આવ્યા બાદ જ આવશે, તેમ વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.