નેશનલ

મથુરાના બરસાનામાં રાધા અષ્ટમીની ઉજવણી દરમિયાન બે શ્રદ્ધાળુઓનાં મોત

મથુરા (યુપી): શનિવારે બરસાના વિસ્તારમાં રાધાઅષ્ટમીની ઉજવણી દરમિયાન ભક્તોના ભારે ધસારાને કારણે બે અલગ-અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત બે વૃદ્ધ તીર્થયાત્રીઓના મોત થયા હતા.
શુક્રવાર રાતથી વધુ ભીડને કારણે ઘણા ભક્તોની સ્થિતિ બગડી હતી, કેટલાક અસ્વસ્થ યાત્રાળુઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પછીથી રજા આપવામાં આવી હતી.
પોલીસ પ્રવક્તા ઇન્સ્પેક્ટર છોટાલાલે જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ 7.30 વાગ્યે, બરેલીની 65 વર્ષીય શોભાને ગંભીર હાલતમાં બરસાના કોમ્યુનિટી હેલ્થ
સેન્ટરમાં લાવવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડૉ. મનોજ વશિષ્ઠે જણાવ્યું કે શોભા ડાયાબિટીસથી પીડિત હતી અને તેનું શુગર લેવલ વધી ગયું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જો કે, મહિલાના પરિવારનો આરોપ છે કે ભીડને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા, રોડ બ્લોકને કારણે તેઓ તેને સમયસર હૉસ્પિટલ પહોંચાડી શક્યા નહીં અને તેની હાલત વધુ ખરાબ થઈ હતી.
ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અજય વર્માએ જણાવ્યું કે પરિવારના સભ્યો મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા ન હોવાથી તેમની ઈચ્છા મુજબ મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.
અન્ય એક ઘટનામાં અલ્હાબાદના મીરગંજના રહેવાસી રાજમણિ મિશ્રા (75)નો મૃતદેહ સુદામા ચોક પાસેના પ્રવાસી સુવિધા કેન્દ્રથી થોડે દૂરથી મળી આવ્યો હતો. તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button